રોકેટમાં ખામી ઊભી થતાં ચંદ્રયાન-2નું અવકાશગમન સસ્પેન્ડ રખાયું; નવી તારીખ જાહેર કરાશે

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – આજે, સોમવારે વહેલી સવારે 2.51 વાગ્યાનો સમય નિર્ધારિત કરાયો હતો તે છતાં ભારતનું મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશન આજે લોન્ચ કરી શકાયું નથી. પ્રક્ષેપણની નવી તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

GSLV-MK3 રોકેટ દ્વારા ચંદ્રયાન-2ને અવકાશમાં લોન્ચ કરવામાં આવનાર હતું, પણ રોકેટમાં છેલ્લી ઘડીએ કોઈક ખામી ઊભી થતાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ રોકેટનું લોન્ચ સ્થગિત કરી દીધું છે.

ઈસરો સંસ્થાએ આ વિશે સત્તાવાર રીતે કંઈ જાહેરાત કરી નથી, પરંતુ આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવે અને એમાં માહિતી આપવામાં આવે એવી ધારણા છે.

શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી GSLV-MK3 રોકેટ દ્વારા ચંદ્રયાન-2ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવનાર હતું. આ મિશન પર સમગ્ર દુનિયાની નજર મંડાયેલી હતી.

3,850 કિલોગ્રામ વજનનું અવકાશયાન તેની સાથે એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર લઈ જવાનું હતું.

વહેલી સવારે લગભગ 2.40 વાગ્યે ઈસરો તરફથી પહેલું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે રોકેટમાં ટી-56 મિનિટ પર ટેકનિકલ ખામી જોવા મળી હતી. તેથી સાવચેતીના કારણસર ચંદ્રયાન-2નું લોન્ચિંગ આજે ટાળી દેવામાં આવ્યું છે. નવી તારીખની ઘોષણા બાદમાં કરવામાં આવશે.