મુંબઈઃ ભારતભરમાં આજે ‘શિક્ષક દિન’ની ઉજવણી થઈ રહી છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે દુનિયાના અન્ય દેશો કરતાં ભારત એક મહિનો આ વિશેષ દિવસ ઉજવે છે. ‘વર્લ્ડ ટીચર્સ ડે’ દર વર્ષે પાંચમી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ની પેટાસંસ્થા યૂનેસ્કોની વેબસાઈટ અનુસાર ‘વર્લ્ડ ટીચર્સ ડે’ 1994ની સાલથી દર વર્ષે પાંચમી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
ભારત તેના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથિની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ ઉજવે છે. આજે ડો. રાધાકૃષ્ણનની 133મી જન્મજયંતિ છે. એમનો જન્મ 1888ની પાંચ સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના તિરુત્તાની ગામમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. 1952-1962 સુધી ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા બાદ 1962માં એ દેશના દ્વિતીય રાષ્ટ્રપતિ નિમાયા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એમને મળવા ગયા હતા અને એમના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દર વર્ષે વિશેષ દિવસ તરીકે ઉજવવાની એમની પાસે પરવાનગી માગી હતી, પરંતુ રાધાકૃષ્ણને એને બદલે વિનંતી કરી હતી કે સમાજમાં શિક્ષકોનાં યોગદાનની કદર કરીને દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરને દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે.
1954માં ‘ભારત રત્ન’ સમ્માનિત ડો. રાધાકૃષ્ણન શિક્ષણશાસ્ત્રી, પ્રોફેસર, ફિલસૂફ, લેખક અને નેતા પણ હતા. બ્રિટિશ સરકારે 1931માં એમને ‘સર’નો ખિતાબ આપ્યો હતો, પરંતુ ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ એમણે તે ખિતાબનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેને બદલે પોતાના શૈક્ષણિક પદવી ‘ડોક્ટર’નો જ ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. ડો. રાધાકૃષ્ણનનું નિધન 1975ની 17 એપ્રિલે 86 વર્ષની વયે એમનું મદ્રાસમાં નિધન થયું હતું. એમણે ચાર વડા પ્રધાનના શાસનમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું – જવાહરલાલ નેહરુ, ગુલઝારીલાલ નંદા (કાર્યવાહક), લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી.