નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝપ્રધાન નીતિન ગડકરીએ અને ભારે ઉદ્યોગપ્રધાન મહેન્દ્ર નાથ પાંડેએ અહીં ઓટો એક્સપો 2023એ સત્તાવાર ઉદઘાટન કર્યું હતું. તેમણે ત્યાં હાજર રહેલા લોકોને શુભકામના આપતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષની અંદર ભારતીય ઓટો ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની જશે. આ ઓટો એક્સપો 14 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી માટે સામાન્ય જનતા માટે ખૂલશે.
ગડકરીએ પોતાના ઉદઘાટન ભાષણમાં રોડ અકસ્માતોને લીધે થનારા મોતોને ઓછાં કરવા માટે વાહનોમાં સુરક્ષા સુવિધા ને વધારવા માટે ઓટો ઉદ્યોગને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય 2024ના અંત સુધીમાં અકસ્માતોમાં 50 ટકાનો ઘટાડો કરવાનું છે અને એ માટે તેમણે ઓટો ઉદ્યોગને પગલાં લેવા તાકીદ કરી હતી. તેમણે ઓટોમોબાઇલ ઉદ્યોગને મેન્યુફેક્ચચિંગ હબ બનાવવા માટે હાકલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે રોડ અકસ્માતોમાં 18થી 34 વર્ષના યુવાઓ માર્યા જાય છે.
તેમણે કહ્યું હતું કે ભંગારની પ્રક્રિયાથી ઓટોમોટિવ ઉદ્યોગ માટે કાચા માલની પડતરમાં 33 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે વેચાણમાં 10-12 ટકાનો વધારો થયો છે. આમ તમારો વેપાર વધશે. તેમણે ભંગારને મોરચે ઉદ્યોગની મદદ માગી હતી. જો તમે છૂટની રજૂઆત કરશો તો એ તમારા માટે લાભપ્રદ રહેશે, કેમ કે એનાથી તમારાં વેચાણ અને કમાણી વધશે. તેમણે વાયુ પ્રદૂષણ પર ભાર દઈને જણાવ્યું હતું કે એના લીધે મને ક્યારેક-ક્યારેક દિલ્હી આવવાનું મન નથી થતું.