કુલગામઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ કરનારા આતંકવાદી સામે બદલો લેવામાં આવી રહ્યો છે. 31 મેએ હિન્દુ ટીચર રજની બાળાની હત્યામાં સામેલ બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા, એમ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું. આતંકવાદીઓની સામે સર્ચ ઓપરેશન 14 જૂને કુલગામના મિશિપોરામાં શરૂ થયું હતું. આ સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.
આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા, એમાં કુલગામના મોહન પોરાનો જુબૈર સોફી સામેલ છે, જેણે રજની બાળાની હત્યા કરી હતી. બીજા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે. 31 મેએ કુલગામમાં આતંકવાદીઓએ મહિલા ટીચર રજની બાળાની ગોળી મારીને હત્યા કરી હતી. તે સાંબાની રહેવાસી હતી. તેની હત્યા કુલગામના ગોપાલપોરામાં કરવામાં આવી હતી.
રજની ગોપાલપોરા હાઇ સ્કૂલમાં ટીચર હતી. ફાયરિંગ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
આ પહેલાં સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં બેન્ક મેનેજરની ધોળે દહાડે હત્યા કરનારા આતકવાદીને 15 જૂને ઠાર કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીને સુરક્ષા દળોએ શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યો હતો. ત્યાં બે આતંકવાદી હતા. બંને આતંકવાદી લશ્કર-એ-તૈયબાથી જોડાયેલા હતા. ઠાર કરવામાં આવેલા આતંકવાદીનું નામ જાન મોહમ્મદ લોન બતાવવામાં આવ્યું હતું.
આ પહેલાં 12 મેએ જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ રેવેન્યુ વિભાગના અધિકારી રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાશ્મીરી પંડિત રાહુલ લાંબા સમયથી રેવેન્યુ વિભાગમાં કામ કરી રહ્યો હતો.