નવી દિલ્હીઃ ‘હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખો હિસાબ કે થોડી થોડી પિયા કરો’
દિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે ‘કોરોના ટેક્સ’ લગાડી દીધો છે. દિલ્હીમાં આજથી શરાબ 70 ટકા મોંઘો મળશે. સરકારના આદેશ અનુસાર દારૂના વેચાણ પર ‘સ્પેશિયલ કોરોના ફી’ના નામથી ટેક્સ લગાડી દીધો છે. હવે MRP પર 70 ટકા આ નવો ટેક્સ લાગશે.
મુખ્ય પ્રધાનનું કડક વલણ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દારૂની દુકાનો પર અફરાતફરી જોવા મળી. અમને સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોના ઉલ્લંઘનની માહિતી મળશે તો એ વિસ્તારને અમારે સીલ કરવો પડશે. દુકાનમાલિકોએ જવાબદારી લેવી પડશે. જો કોઈ દુકાન પર સામાજિક અંતર નિયમનું ઉલ્લંઘન થશે તો એ દુકાન બંધ કરાવી દેવામાં આવશે. હું દિલ્હીવાસીઓને અપીલ કરું છું કે બહાર નીકળતી વખતે માસ્ક લગાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને હાથ ધોતા રહો.
700થી વધુ દુકાનો ખૂલી
સોમવારે લોકડાઉન-3 અંતર્ગત અપાયેલી અમુક છૂટછાટોને પગલે દિલ્હીમાં વાઈન શોપ્સ સહિત 700થી વધુ દુકાનો ખૂલી હતી. પરંતુ ભારે ભીડ અને લોકડાઉનના નિયમોનું પાલન નહીં કરવાને કારણે માત્ર બે જ કલાકમાં પોલીસે બધી દુકાનો બંધ કરાવી દીધી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની ઐસીતેસી કરી હતી અને મોટા ભાગના લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા.