નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NEET-UG પરીક્ષાને ફરીથી કરાવવાની માગ ફગાવી દેતાં કહ્યું હતું કે રિટેસ્ટ કરાવવાનાં મોટાં પરિણામ હશે. કોર્ટે કહ્યું હતું કે ડેટાથી એ નથી લાગતું કે સિસ્ટેમેટિક બ્રીચ થયું છે અથવા સંપૂર્ણ પરીક્ષાની ગરિમા પ્રભાવિત થઈ છે. કોર્ટને લાગે છે આ વર્ષ માટે NEET UG નિર્દેશ આપવાથી ગંભીર પરિણામો આવશે, જે આ પરીક્ષામાં સામેલ થનારા 24 લાખથી વધુ વિદ્યાર્થીઓને ભોગવવાં પડશે અને પ્રવેશ કાર્યક્રમમાં મુશ્કેલીઓ સર્જશે. મેડિકલ શિક્ષણના અભ્યાસક્રમ અને ભવિષ્યમાં યોગ્ય મેડિકલ પ્રોફેશનલ પર અસર પડશે. એ વંચિત જૂથ માટે ગંભીર રૂપથી નુકસાનકારક હશે, જેના માટે સીટોની ફાળવણીમાં અનામત કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે કોર્ટ સમક્ષ આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું અને પરીક્ષાના આયોજનમાં પ્રણાલીગત ખામીઓ હોવાને આધારે ફરીથી પરીક્ષા લેવા માટેનો નિર્દેશ આપવામાં આવે, પણ NEET પરીક્ષાનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશનાં 571 શહેરોનાં 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠકો માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા. કોર્ટને વાકેફ કરવામાં આવ્યું છે કે 50 ટકા કટઓફની ટકાવારી દર્શાવે છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ 720 ગુણનું હોય છે. જેમાં 180 પ્રશ્નો હોય છે અને ખોટા જવાબ માટે એક નકારાત્મક ગુણ પણ હોય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને લટકાવી રાખી શકીએ નહીં, તેના માટે અમારે સુનાવણી આજે જ ખતમ કરવી પડશે. કોર્ટેએ કહ્યું હતું કે હું ચર્ચા માટે 20-25 મિનિટથી વધારે લઈશ નહીં. કેન્દ્ર અને NTA તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી.