નવી દિલ્હીઃ શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડિંગ દૂર કરવાનો નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે તેઓ હાઇવે કેવી રીતે અવરોધી શકે? અમારો આદેશ છે કે અંબાલાની પાસે શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા તમામ અવરોધને દૂર કરવામાં આવે અને ટ્રાફિક નિયંત્રિત કરો, એમ કોર્ટે કહ્યું હતું.
કોર્ટે કિશાન આંદોલન દરમ્યાન પ્રદર્શન કરી રહેલા 22 વર્ષના યુવકના મોતની ન્યાયિક તપાસની વિરુદ્ધ હરિયાણાની અરજી પર સુનાવણી ટાળતા આ ટિપ્પણી કરી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની ખંડપીઠે હરિયાણા સરકારને આ નિર્દેશ આપ્યા હતા.
શું છે મામલો?
શંભુ બોર્ડર પર ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી ધરણાં પર બેઠા છે. કોર્ટે કહ્યું હતું કે ખેડૂતો નાગરિક છે, તેમને ભોજન અને સારી સારવારની સુવિધા આપો. આ પહેલાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સપ્તાહમાં બોર્ડર ખોલવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે આ નિર્ણય જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો હતો. તેમણે વિરોધ દરમિયાન એક ખેડૂતના મોતની તપાસ માટે SIT બનાવવાનું પણ કહ્યું હતું.
હરિયાણા સરકારને ડર છે કે જો બેરિકેડ હટાવીને રસ્તો સાફ કરવામાં આવશે તો પંજાબના ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂર કરશે. બીજી બાજુ, હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ આ મામલે વ્યૂહરચના બનાવવામાં ખેડૂતો લાગેલા છે. ખેડૂત સંગઠનોએ 13 જુલાઈએ સંયુક્ત બેઠક કરીને કોઈ નિર્ણય લેવાની વાત કહી હતી.