નવી દિલ્હીઃ સમલૈગિક વિવાહ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે. સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે લગ્નને માન્યતા આપવાનો અધિકાર સંસદનો છે, કોર્ટ કાયદો ના બનાવી શકે. કોર્ટ માત્ર કાયદાની વ્યાખ્યા કરી શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે 3-2થી આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સરકારને કહ્યું હતું કે સમલૈગિક યુગલો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય એ વાતનું ધ્યાન રાખે.
કોર્ટે કહ્યું હતું કે સમલૈગિક યુગલોને બાળકો દત્તક લેવાનો અધિકાર છે. કોર્ટે સરકારને સમલૈગિક યુગલો માટે સેફ હાઉસ બનાવવા માટે પણ કહ્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે સરકારે આ મામલે કમિટી બનાવે અને એ લોકોને અધિકાર આપવા જોઈએ. બધાને પોતાનો સાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે.માન્યતા ના આપવી એ અપ્રત્યક્ષ રૂપે બંધારણનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ રવીન્દ્ર ભટે કહ્યું હતું કે તેઓ CJI ડીવાય ચંદ્રચૂડ દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટ પર આપેલા નિર્દેશોથી સહમત નથી. તેમણે કહ્યું હતું કે વિવાહ કરવાનો અયોગ્ય અધિકાર ના હોઈ શકે, જેને મૌલિક અધિકાર માનવામાં આવે. અમે રિલેશનશિપ અધિકાર પરની વાતે અમે સહમત છીએ. એમાં સંદેહ નથી કે જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છે. તેઓ સમલૈન્ગિક યુગલોને બાળકોને દત્તક લેવાના અધિકાર પર CJI ચંદ્રચૂડથી અસહમત છે, એમ તેમણે કહ્યું હતું.
આ રાજ્યોએ કર્યો વિરોધ
આસામ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મણિપુરે સમાન સેક્સ લગ્નોનો વિરોધ કર્યો છે. રાજસ્થાને કહ્યું હતું કે આ લગ્નથી સમાજિક તાણાવાણામાં અસંતુલન પેદા થશે અને એના દૂરગામી પરિણમો હશે.