મધ્ય પ્રદેશઃ કમલનાથ અને કોંગ્રેસની દલીલ સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી:  દેશમાં કોરોનાના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી રહી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અરજી પર નિર્ણય આપતા કોંગ્રેસ નેતા કમલનાથ અને મધ્યપ્રદેશ કોંગ્રેસની દલીલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં માર્ચ મહિનામાં રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટનો હુકમ સાચો હતો. કોંગ્રેસ તરફથી દલીલ હતી કે ચાલુ વિધાનસભામાં રાજ્યપાલ ફ્લોર ટેસ્ટનો આદેશ ન આપી શકે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ પોતે કોઈ નિર્ણય નથી લઈ રહ્યા તેઓ માત્ર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી રહ્યા છે. ચાલુ વિધાનસભામાં બે પદ્ધતિ હોય છે, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા તો ફ્લોર ટેસ્ટ અદાલતે આ દરમિયાન રાજ્યપાલના અધિકાર અંગે વિગતવાર આદેશ પણ જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યારે ગૃહ શરૂ થયું ત્યારે વિધાનસભા અધ્યક્ષે કોરોના વાયરસને કારણે થોડા દિવસો માટે ગૃહને મુલતવી રાખ્યું હતું. તે પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

હકીકતમાં, માર્ચ મહિનામાં, જ્યારે મધ્યપ્રદેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને અગાઉની કમલાનાથ સરકાર સંકટમાં હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા શિવરાજસિંહ ચૌહાણ પર ધારાસભ્યોની ખરીદી વેચાણનો આરોપ હતો. ત્યારે ફ્લોર ટેસ્ટ તાત્કાલિક કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તરત જ ફ્લોર ટેસ્ટ કરાવ્યો, જેના પછી કમલનાથ સરકારે રાજીનામું આપવું પડ્યું.