કોરોના સંકટઃ પીએમ મોદીનું મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રસંબોધન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ રોગચાળા મામલે આવતીકાલે, મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી વડા પ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ફેલાવો દેશમાં રોકવા માટે વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા 21-દિવસના દેશવ્યાપી લોકડાઉનમાં આવતીકાલનો દિવસ છેલ્લો છે. આ લોકડાઉન 25 માર્ચથી લાગુ કરવામાં આવ્યું હતું.

આ 21 દિવસના લોકડાઉન દરમિયાન દેશભરમાં હોસ્પિટલ, દૂધ-અનાજ, કરિયાણું વિતરણ, અગ્નિશામક દળ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને બાદ કરતાં શાળા-કોલેજો, લાંબા અંતરની તેમજ ઉપનગરીય ટ્રેન સેવા, એસ.ટી. બસ સેવા, ખાનગી વાહનવ્યવહાર, વિમાન સેવા, બંદરગાહ ખાતેની કામગીરીઓ, ખાનગી ઓફિસો, મકાન બાંધકામ સહિત તમામ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ છે.

આ 21 દિવસના લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુના કેસો વધી જતાં લોકડાઉનની મુદત લંબાવવામાં આવે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે 13 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કોન્ફરન્સમાં અમુક રાજ્યોએ લોકડાઉનની મુદત લંબાવવાની વડા પ્રધાનને વિનંતી કરી હતી.

વડા પ્રધાન એમની વિનંતી સાથે સહમત પણ થયા હતા.

દુનિયાભરમાં 185 દેશોમાં કોરોના વાઈરસ ફેલાયો છે. અત્યાર સુધીમાં 18,48,556 કેસો નોંધાયા છે. 1,14,208 જણના જાન ગયા છે. સાડા આઠ લાખથી વધારે લોકો સાજા પણ થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]