નવી દિલ્હીઃ ઈ-કોમર્સ ક્ષેત્રની જાણીતી કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા કરાતી કથિત ઈ-કોમર્સ ગેરપ્રવૃત્તિઓની ફરિયાદોમાં તપાસ કરવાની કેન્દ્રીય એજન્સી કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટના આ નિર્ણયથી દેશભરનાં વેપારીઓને મોટી રાહત થઈ છે.
એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર આરોપ છે કે તેમણે દેશના કોમ્પીટિશન કાયદાનું અનેક રીતે ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે વેપારીઓના સંગઠનોએ ફરિયાદો કરી છે. આ બંને કંપની સામે કોમ્પીટિશન એક્ટ-2002ની કલમ 26(1) અંતર્ગત કેટલાક મોટા આરોપ મૂકાયા છે કે તેઓ ગ્રાહકોને વધુપડતા મોટા ડિસ્કાઉન્ટ આપે છે, માર્કેટ તાકાતનો દુરુપયોગ કરે છે, વિશિષ્ટ રીતે સહયોગ કરે છે. દિલ્હી વ્યાપાર મહાસંઘ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંગઠનોએ દેશના વિદેશ વ્યાપાર કાયદાઓનું એમેઝોન અને ફ્લિપકાર્ટે ઉલ્લંઘન કર્યું છે એવી ફરિયાદ કરી છે.