TMCના બળવાખોર સાંસદોને સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 20 બળવાખોર સાંસદો પાસેથી જવાબ માગ્યો છે. જોકે આ મામલામાં મુખ્ય પ્રતિવાદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને નોટિસ પાઠવવાનું ટાળવામાં આવ્યું છે. બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી રિટ અરજી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે આ નોટિસ જારી કરવાનો પ્રશ્ન નથી, પરંતુ કાર્યવાહી ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રશ્ન છે.

જોકે બેન્ચ અરજી અંગે પ્રતિવાદીઓને નોટિસ પાઠવવાના પક્ષમાં હતી, પરંતુ સોલિસિટર જનરલે વિનંતી કરી હતી કે અધ્યક્ષ અને તેમની કચેરીને નોટિસ પાઠવવામાં ન આવે. સોલિસિટર જનરલે કહ્યું હતું કે તેઓ અધ્યક્ષ તરફથી હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને મળેલી સૂચના મુજબ અધ્યક્ષે અયોગ્યતા અરજીઓ પર નોટિસ જારી કરી દીધી છે.

આ અરજીમાં શું માગ કરવામાં આવી?

આ અરજીમાં બળવાખોર સાંસદો વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં થઈ રહેલા વિલંબને પડકારવામાં આવ્યો છે. આ વિવાદ TMC સંસદીય દળમાં થયેલા બળવાથી ઊભો થયો છે. તેમાં 20 સાંસદોએ પાર્ટીથી અલગ થઈને NCPI સાથે જોડાવાની માગ કરી છે. બળવાખોર જૂથે લોકસભામાં અલગ જૂથ તરીકે માન્યતા આપવાની પણ માગ કરી છે. TMCનું કહેવું છે કે આ સાંસદો પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટાયા હતા અને ત્યાર બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવાનો તેમનો નિર્ણય પક્ષપલટાવિરોધી કાયદાની જોગવાઈઓ હેઠળ આવે છે. અભિષેક બેનર્જીએ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ અલગ-અલગ અયોગ્યતા અરજીઓ દાખલ કરી હતી અને તેનો વહેલી તકે નિકાલ કરવાની માગ કરી હતી.

બળવાખોર સાંસદોમાં કોણ-કોણ સામેલ?

બળવાખોર સાંસદોમાં કાકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંદ્યોપાધ્યાય, શતાબ્દી રોય, પ્રસૂન બેનર્જી, રચના બેનર્જી, જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા, પાર્થ ભૌમિક, અરૂપ ચક્રવર્તી, અધિકારી દીપક દેવ, સાયોની ઘોષ, બાપી હલદર, એમડી અબુ તાહેર ખાન, કાલીપદ સારેન ખેરવાલ, અસિત કુમાર મલ, જૂન માલિયા, મિતાલી બાગ, ખલીલુર રહેમાન, માલા રોય, શર્મિલા સરકાર અને યુસુફ પઠાણનાં નામ સામેલ છે.