નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી મામલે જેલમાં બંધ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે CBI અને EDને નોટિસ જારી કરી છે. મનીષ સિસોદિયાએ બંને તપાસ એજન્સીઓ તરફથી નોંધાયેલા કેસમાં જામીન માગ્યા છે. આ મામલે આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે.
મનીષ સિસોદિયાના વકીલે તર્ક આપ્યો હતો કે તે 16 મહિનાથી જેલમાં બંધ છે. આ કેસ એ સ્થિતિમાં છે, જે 2023માં હતો. જસ્ટિસ બીઆર ગવઈ, સંજય કરોલ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે આ કેસની સુનાવણી હવે 29 જુલાઈએ થશે.લિકર પોલિસી મામલાથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ સિસોદિયાની પર કેસ નોંધ્યો છે, જ્યારે CBIએ
ભ્રષ્ટાચારના કેસમાં આપ નેતા પર કેસ નોંધ્યો હતો. દિલ્હી લિકર નીતિને હવે રદ કરી દીધી છે, પરંતુ એમાં કૌભાંડના આરોપમાં આપના કેટલાય નેતા જેલમાં ગયા છે. દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ લિકર પોલિસી મામલામાં જેલમાં બંધ છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ આ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે અને હાલ જામીન પર બહાર છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે કહ્યું હતું કે જો કેસ આગળ નથી વધતો તો સિસોદિયા જામીન માટે અપીલ કરી શકે છે. ટોચની કોર્ટની ખંડપીઠે સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા પછી બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓ- ED અને CBIને નોટિસ જારી કરી છે અને જવાબ માગ્યો છે.
વરિષ્ઠ વકીલ ડો. અભિષેક મનુ સિંઘવીએ આઠ જુલાઈએ દેશના મુખ્ય જસ્ટિસની સામે મનીષ સિસોદિયાની તત્કાળ સુનાવણી માટે અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર દઈને કહ્યું હતું કે મનીષ સિસોદિયા 16 મહિનાથી જેલમાં છે અને કેસ પૂરો થવો જોઈએ.