નવી દિલ્હી: સીએએના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી રસ્તો બંધ છે. જેના કારણે સામાન્ય લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શાહીન બાગનો રસ્તો ખોલવા માટે સુપ્રીમ કોર્ટ અરજી થઈ હતી જેના પર આજે કોર્ટેમાં સુનાવણી હાથ ધરતા કહ્યું કે, વિરોધ પ્રદર્શનનું કારણ ગમે તે હોય પણ આ રીતે રસ્તો બંધ ન કરી શકો. જેના જવાબમાં શાહીન બાગ પક્ષના વકીલે કહ્યું કે અમે આના માટે થોડો સમય જોઈએ છે. જેના પર કોર્ટે કહ્યું કે, આજ અહીં વિરોધ થઈ રહ્યો છે. કાલે કોઈ બીજા સ્થાને થશે. અને જો આમ જ થતું રહ્યું તો શહેરના ઘણા વિસ્તારો બ્લોક થઈ જશે અને અફરાતફરી મચી જશે.
સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારે રોડ બંધ કરીને પ્રદર્શન કરવાનો વિચાર અન્ય કોઈ ને આવી શકે છે જેથી સારુ રહેશે કે, પ્રદર્શન કોઈ અન્ય સ્થળ પર શિફ્ટ કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે વરિષ્ઠ વકિલ સંજય હેગડેની વાર્તાકાર તરીકે નિમણુંક કરી છે. આ મામલે વધુ સુનાવણી 24 ફેબ્રુઆરીના રોજ થશે. શાહીનબાગમાં 15મી ડિસેમ્બરથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે.
શાહીન બાગના અરજીકર્તા નંદ કિશોર ગર્ગે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, હું ઈચ્છતો હતો કે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ચૂકાદો આપે. ઘણો સમય વીતી ગયો છે વિવાદનું એક સન્માનીય ઉકેલ આવવો જોઈએ. સંજય હેગડે એક વરિષ્ઠ વકીલ છે, જો તે ઈચ્છે તો આ વિવાદ 2-3 દિવસમાં ઉકેલાઈ શકે છે. પ્રદર્શન માટે વૈકલ્પિક જગ્યા રામલીલા મેદાન, બુરાડી અને જંતર-મંતર છે.