નવી દિલ્હી- સુનંદા પુષ્કર અપમૃત્યુ કેસમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને સુનંદા પુષ્કરના પતિ શશી થરુર માટે રાહતના સમાચાર છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશી થરુરના જામીન મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કેસના અનુસંધાને શશી થરુર આજે એડિશનલ ચીફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા.સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, શશી થરુરને જામીન માટે નવેસરથી કોઈ અરજી દાખલ કરવાની જરુર નથી. કારણકે શશી થરુર આગોતરા જામીન માટે અગાઉથી જ અરજી દાખલ કરી ચૂક્યા છે. આ કેસની વધુ સુનાવણી 26 જુલાઈએ કરવામાં આવશે.
અદાલતે શશી થરુરને જણાવ્યું કે, કોર્ટની પરવાનગી વગર તેઓ દેશ છોડીને બહાર નહીં જઈ શકે. શશી થરુરના જામીન મંજૂર થવા પર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, જામીન મળવાને કારણે શશી થરુરે ખુશ થવાની જરુર નથી. તેઓ ફક્ત જામીન પર મુક્ત થયા છે. નિર્દોષ સાબિત નથી થયાં.
આપને જણાવી દઈએ કે, સુનંદા પુષ્કર અપમૃત્યુ કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં શશી થરુર પર સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે મજબૂર કરવા અને તેમની સાથે ક્રૂરતા આચરવાનો આરોપ મૂકીને આ કેસમાં શશી થરુરને આરોપી બનાવાયા છે. આ કેસની વધુ સુનાવણી આગામી 26 જુલાઈએ હાથ ધરવામાં આવશે.