મુંબઈ – ‘આપણી સમગ્ર શિક્ષણ પદ્ધતિ વ્યવસ્થિત કરવાની જરૂર છે. જેથી વિવિધ કોર્સમાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો ત્રાસ ન થાય’ એવું સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2019-20માં વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ તેમજ ડેન્ટલ કોર્સના એડમિશન માટે જે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેને ધ્યાનમાં લેતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ‘ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવી પડે તો એ ખરેખર બહુ કઠિન સમસ્યા કહેવાય!’
મહારાષ્ટ્ર મેડિકલ એડ્મિશન માટે સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલી બેન્ચના સભ્ય ઈન્દુ મલ્હોત્રા તેમજ એમ. આર. શાહે પણ સુનાવણી વખતે કહ્યું કે, ‘અમારી ચિંતા વિદ્યાર્થીઓને લઈને છે કે તેમને દર વર્ષે મેડિકલ તેમજ અન્ય કોર્સના એડમિશન વખતે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે.‘
વધુમાં બેન્ચે કહ્યું કે, ‘તમે વિદ્યાર્થીઓને માથે આટલી તાણ શા માટે ઊભી કરો છો. એડમિશન માટે ખોટા દાવાઓ કરવા પડે છે તો શા માટે શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કેમ નથી કરતા?’
‘વિદ્યાર્થીઓની આ દુર્દશાનો વિચાર કરવા અમે દરેક રાજ્યને તેમજ કેન્દ્ર સરકારને કહેતાં આવ્યા છીએ.’ વધુમાં બેન્ચે જણાવ્યું કે, ‘આવી અનિશ્ચિતતાની અસર વિદ્યાર્થીની આખી કારકિર્દી ઉપર પડે છે.’
બેન્ચે આ મામલે મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં એડમિશનને લઈને જે સમસ્યા થઈ રહી છે એના માટે સંપૂર્ણપણે મહારાષ્ટ્ર સરકાર જ જવાબદાર છે.’
કોર્ટે એ નોંધ લીધી હતી કે, વિદ્યાર્થીઓ એમના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અતિશય ચિંતામાં રહેતા હોય છે. ચિંતા એ વાતની થતી હોય છે કે, તેમને કઈ કોલેજમાં અને કયા કોર્સ માટે એડ્મિશન મળશે!
સુપ્રીમ કોર્ટે પોતે પાસ કરેલા ખરડા અંતર્ગત મહારાષ્ટ્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એડ્મિશનને લઈને આગામી શૈક્ષણિક પદ્ધતિમાં બદલાવ લાવવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, ‘આ ખરડો પાસ કરવામાં અન્ય કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા નડવી ના જોઈએ. કોઈ વ્યવસ્થામાં બદલાવ કરવો હોય તો હવે ઘણું મોડું થઈ ગયું છે. અમે નથી ઈચ્છતા કે હજુ કોઈ બીજી સમસ્યા ઉદભવે.’
આ સાથે બેન્ચે મહારાષ્ટ્ર સરકારને ઓર્ડર કરતાં કહ્યું કે, ‘તમે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ તેમજ ડેન્ટલ કોર્સના શૈક્ષણિક વર્ષ 2019-20ના એડમિશન માટે આખરી તબક્કામાં પરામર્શ કરીને, વહેલામાં વહેલી તકે એટલે કે 14 જૂન સુધીમાં નિવેડો લાવો.’