શેરબજારમાં ચોથા દિવસે તેજી, નિફ્ટીમાં ચાર દિવસમાં પાંચ ટકાનો ઉછાળો

અમદાવાદઃ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો હોવા છતાં FMCG સેક્ટરમાં તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સમાં રાહત આપવાના પ્રસ્તાવને કારણે આજે  સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત તેજી સાથે થઈ હતી. આ સાથે ઇન્ટ્રા-ડેમાં બજારમાં તેજી જળવાઈ રહી હતી, પરંતુ છેલ્લી 15 મિનિટમાં બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. પરિણામે સેન્સેક્સ 76,900 અને નિફ્ટી 23,800ની સપાટી પાર કરીને બંધ થયા હતા.

જોકે સ્મોલકેપ શેરોમાં પ્રમાણમાં ઓછી તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100માં 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં અડધા ટકાથી વધુની તેજી રહી હતી. બજારમાં આ જોરદાર તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ચાર  લાખ કરોડ વધી ગયું હતું. એટલે કે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4 લાખ કરોડનો વધારો થયો હતો.નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 1225.07 પોઈન્ટની તેજી સાથે 76,917.85 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 370.05 પોઈન્ટના ઉછાળા સાથે 23,810.85ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં ચાર દિવસમાં લગભગ પાંચ ટકાનો ઉછાળો થયો છે.

સેન્સેક્સના 25 શેર તેજીમાં બંધ

સેન્સેક્સમાં કુલ 30 શેર લિસ્ટેડ છે, જેમાંથી આજે 25 શેર વધારા સાથે બંધ થયા હતા. સૌથી વધુ તેજી એચયુએલ, ભારતી એરટેલ અને એચડીએફસી બેંકના શેરોમાં જોવા મળી હતી.

100 શેર એક વર્ષની ઊંચી સપાટીએ

આજે બીએસઈ પર કુલ 4606 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 2510 શેર વધારા સાથે બંધ થયા હતા, જ્યારે 1895 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. 201 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. આ ઉપરાંત 100 શેર એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 109 શેર એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા હતા. 13 શેર અપર સર્કિટ અને 41 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.

બજારમાં એફએમસીજી, ફાઇનાન્શિયલ્સ, રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. એનએસઈના આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં 1થી 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે આઈટી, મેટલ અને ફાર્મા જેવા સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી.એસબીઆઈ સિક્યોરિટીઝના જણાવ્યાનુસાર નિફ્ટી માટે 23,550થી 23,570નું સ્તર મહત્ત્વપૂર્ણ સપોર્ટ રહેશે, જ્યારે 23,780થી 23,800ની વચ્ચે રેઝિસ્ટન્સ છે. જો નિફ્ટી 23,550ની નીચે સરકશે તો આગામી સપોર્ટ 22,420થી 23,400ની વચ્ચે રહેશે. બીજી તરફ, જો નિફ્ટી 23,800ની સપાટી પાર કરીને ટકશે તો તેજી આગળ વધી શકે છે અને ઇન્ડેક્સ 23,950 સુધી પહોંચી શકે છે.