નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ કર્યો છે કે કોરોના વાઇરસ બંધનો સખતાઈપૂર્વક અમલ કરવામાં આવે અને એનું ઉલ્લંઘન કરવાવાળાઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. દેશમાં 80 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે લોકકડાઉન અને પેસેન્જર રેલવે સર્વિસ, બસ સર્વિસને બંધ કર્યા એક દિવસ બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. કોરોના વાઇરસના જોખમ વચ્ચે લોકોની લાપરવાહી સામે વડા પ્રધાન મોદીએ ફરી એક વાર અપીલ કરી હતી કે લોકો સર્તક રહે.
વડા પ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી
તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે લોકડાઉનને હજી પણ કેટલાય લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે તમે પોતાનો બચાવ કરો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. તેમણે રાજ્ય સરકારોને આદેશ કર્યો હતો કે નિયમો અને કાયદાનું પાલન કરાવો. વડા પ્રધાનના નિવેદન પછી કેન્દ્ર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હતો. લોકકડાઉન દરમ્યાન બધા પ્રકારનાં સિનેમા, મોલ અને બજાર બંધ કરવામાં આવ્યાં છે. જોકે જરૂરી સેવાઓ જેવી કે દૂધનો પુરવઠો, કરિયાણું અને દવાઓની દુકાનો ખુળ્લી રહેશે.
કોરોનાની ત્રીજા તબક્કા પહેલાં સાવધાની રાખવા લોકડાઉન
સરકાર દ્વારા જે સખતાઈ કરવામાં આવી રહી છે, એ યોગ્ય છે. આ રોગને વધુ પ્રસરતાં અટકાવવા માટે એક જગ્યાએ ભીડ એકઠી ના થવી જોઈએ. દેશમાં હજી કોરોના વાઇરસનો ત્રીજો તબક્કો નથી આવ્યો. એના માટે સરકાર પગલાં લઈ રહી છે. હજી પણ સ્થિતિ સરકાર નિયંત્રણમાં છે, પણ હજી આ વાઇરસનો ચેપ સામૂહિક રીતે લાગવા માંડશે તો સ્થિતિ કફોડી બની જશે. દેશમાં દર્દીઓની સંખ્યા 400ની ઉપર છે અને અત્યાર સુધી સાત લોકોનાં મત થઈ ચૂક્યાં છે.