નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે. ચોથી જૂનની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે. આ વર્ષે ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે. જોકે ચોમાસા દરમ્યાન અલ નિનોની સંભાવના 90 ટકાથી વધુ છે.
હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સોમા સેનરોયે કહ્યું હતું કે અલ નિનો રહેશે અને હિન્દ મહાસાગર ડિપોલ પોઝિટિવ રહેશે. યુરેશિયન બરફની ચાદર પણ આપણા માટે લાભદાયી છે. જોકે અલ નિનોની અસર જરૂર દેખાશે, જે ચોમાસા પર અસર કરશે.હવામાન વિભાગે કહ્યું હતું કે છેલ્લી 16 ચોમાસાની સીઝનમાં જ્યારે અલ નિનો રહ્યું છે, એમાં જોવા મળ્યું છે કે નવ વાર ચોમાસું સરેરાશથી નબળું રહ્યું છે અને બાકીની સાત વાર ચોમાસું સામાન્ય રહ્યું છે.
વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ રવિચંદ્રને કહ્યું હતું કે તેઓ સામાન્ય ચોમાસાની આશા રાખી રહ્યા છે. અલ નિનો એકમાત્ર કારક નથી, જે વૈશ્વિક પવન પેટર્નને પ્રભાવિત કરે છે. એટલાન્ટિક નિનો, હિંદ મહાસાગર ડિપોલ અને યુરેશિયન સ્નો કવર વગેરે જેવા અન્ય કારણો પણ છે, જે ચોમાસા પર પ્રતિકૂળ અસર કરશે.
સાયન્સ જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ નિનોને કાણે 1982-83 અને 1997-98માં વૈશ્વિક આવકમાં 4.1 લાખ કરોડ ડોલર અને 5.7 લાખ કરોડ ડોલરનું નુકસાન થયું હતું. આ શોધમાં દાવો કરવામાં આવ્યો હતો કે 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે આર્થિક નુકસાન 84 લાખ કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે.