નવી દિલ્હીઃ આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં આઠ નવેમ્બર, 2016એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે આઠ કલાકે દેશને સંબોધિત કરતાં રૂ. 500-1000ની નોટોને ગેરકાયદે જાહેર કરી હતી. ત્યારે ચલણમાં આ કરન્સીનો 86 ટકા હિસ્સો આ બે નોટોનો હતો. આ પાંચ વર્ષમાં નોટબંધીને કારણે દેશના અર્થતંત્રમાં શા ફેરફાર થયા છે, આવો જાણીએ…
નોટબંધીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહાન આપવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો, પણ મૂળ નીતિમાં લક્ષ્ય એકદમ અલગ હતું. નોટબંધી દરમ્યાન મૌથી મોટું વચન સિસ્ટમમાં હાજર થઈ રહેલા બેહિસાબ નગદ નાણાંના વ્યવહારોને અટકાવવાનો હતો. અનેક લોકોએ નોટબંધીના આ નિર્ણયને ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક પણ કહી હતી.
RBIના આંકડા અનુસાર નોટબંધી પહેલાં દેશમાં ચલણમાં કુલ નોટનું મૂલ્ય રૂ. 17.74 લાખ કરોડ હતું, પણ એ વધીને આ વર્ષે 29 ઓક્ટોબર, 2021એ રૂ. 29.17 લાખ કરોડે પહોંચ્યું હતું. આમ પાંચ વર્ષમાં નોટના સર્ક્યુલેશનમાં આશરે 64 ટકાનો વધારો થયો છે. આ સાથે છેલ્લા એક વર્ષ –કોરોના કાળમાં નોટોના સર્ક્યુલેશનમાં 8.5 ટકાનો વધારો થયો છે.
દેશમા આ પાંચ વર્ષમાં ડિજિટલ વ્યવહારોમાં પણ વધારો થયો હતો. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુનિફાઇડ પેમેન્ટ, ઇન્ટરફેસ –બધા પ્રકારે ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે. UPIનો પ્રારંભ વર્ષ 2016માં થયો હતો. ઓક્ટોબર, 2021માં એમાં આશરે રૂ. 7.71 લાખ કરોડના મૂલ્યની લેવડદેવડ થઈ હતી. આ મહિને સંખ્યામાં જોઈએ તો કુલ 421 કરોડના વ્યવહારો થયા છે.