નવી દિલ્હીઃ નાણા વર્ષ 31 માર્ચે પૂરું થઈ રહ્યું છે, એ પહેલાં કેટલાંક એવા મહત્ત્વપૂર્ણ કામો છે, જે પતાવી લેવા જોઈએ, કેમ કે એક એપ્રિલથી ઘણીબધી બાબતો બદલાઇ જશે અને તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે. દાખલા તરીકે બોન્ડ યિલ્ડમાં ત્રણ મહિનામાં આશરે 0.4 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ કારણે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કાપ મુકાવાની સંભાવના છે. ચાલો, જોઈએ 31 માર્ચ પહેલાં કયાં-કયાં કામો પતાવી લેવા જોઈએ…
નાની બચત યોજનાઓમાં રોકાણ
નાની બચત યોજનાઓના વ્યાજદરો એ બોન્ડ યિલ્ડને આધારે નક્કી થાય છે. બોન્ડ યિલ્ડમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે, જેથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજરમાં પણ સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે. જેથી નાની બચત યોજનાઓ હજી પણ આકર્ષક છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) પર અત્યારે ક્રમશઃ 7.9 ટકા અને 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. જોકે એપ્રિલથી એના વ્યાજદર ઘટવાની સંભાવના છે, કેમ કે સરકાર બોન્ડ યિલ્ડને આધારે પ્રત્યક ત્રિમાસિક ગાળામાં નાની બચત યોજનાઓના વ્યાજદર નક્કી કરે છે.
PANથી આધાર કાર્ડ લિન્ક કરાવો
PAN અને આધાર લિન્ક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 છે. જો તમે પેન નંબરને આધાર કાર્ડથી લિન્ક નથી કરાવ્યું તો રૂ. 10,000નો દંડ આપવો પડશે. પેન આધારની લિન્કિંગ બહુ સરળ છે અને તમે એને એક SMS દ્વારા પણ એને લિન્ક કરાવી શકો છો. પેન-આધાર લિન્કિંગ માટે તમે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર પણ જઈ શકો છો.
કોરોના વાઇરસથી સુરક્ષા માટે આરોગ્ય વીમો
કોરોના વાઇરસ કે અન્ય બીમારીઓ સામે સારવારનો ખર્ચને કવર કરવા માટે તમે 31 માર્ચથી પહેલાં આરોગ્ય વીમો લઈ શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી પર તમે આવકવેતાની કલમ 80 D હેઠળ ઇનકમ ટેક્સમાં રૂ. 25,000 સુધીના કાપનો લાભ મેળવી શકો છો.
31 માર્ચ વડા પ્રધાન વય વંદનાની છેલ્લી તારીખ
વડા પ્રધાનની વય વંદના યોજના એટલે કે PMVVYની છેલ્લી તારીખ 31 માર્ચ છે. બીજી પેન્શન યોજનાઓ જે આજીવન પેન્શન આપે છે, ત્યારે PMVVY 10 વર્ષ સુધીના સમયાવધિ માટે સુનિશ્ચિત વળતર આપે છે. આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે. જો કોઈ પેન્શનર પોલિસીની મુદત પછી જીવિત રહે તો તેને મૂળ રકમ પાછી આપવામાં આવે છે. પેન્શનરના મૃત્યુ બાદ તેના નોમિનીને પૈસા આપવામાં આવે છે.