કોલકાતાઃ ખતરનાક એવા ચક્રવાત ‘સિત્રાંગ’એ ગઈ કાલે મોડી રાતે પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાને છોડી દીધો હતો અને બાંગ્લાદેશની દિશા પકડીને તેના સમુદ્રકાંઠાને પાર કરી લીધો હતો. હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે આજે બપોરથી બંગાળ રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં હવામાનમાં સુધારો થવાની ધારણા છે. ચક્રવાત ‘સિત્રાંગ’એ જોકે બાંગ્લાદેશના કાંઠાળ વિસ્તારોમાં નુકસાન વેર્યું છે. ત્યાં વાવાઝોડા સંબંધિત દુર્ઘટનાઓને કારણે સાત જણે જાન ગુમાવ્યા છે.
પવનની પ્રતિ કલાક 56 કિલોમીટરની ગતિએ વાવાઝોડું ‘સિત્રાંગ’ બંગાળના અખાતના ઉત્તર ભાગ પરના આકાશમાંથી બાંગ્લાદેશ તરફ વળી ગયું હતું. એને કારણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપોર જેવા કાંઠાળ જિલ્લાઓમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડ્યો હતો અને હવામાન બગડી ગયું હતું. એને કારણે લોકોનો દિવાળી તથા કાલી પૂજા તહેવારોની ઉજવણી કરવાનો ઉત્સાહ પણ પડી ભાંગ્યો હતો.
ચક્રવાત આજે વહેલી સવારે 5.30 વાગ્યાથી હવાના નીચા દબાણ (ડીપ્રેશન)માં પરિવર્તિત થઈને નબળું પડી ગયું હતું. આજે સવારે પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેશે, જે ગતિ આજ બપોર પછી ધીમી પડતી જશે.