બેંગલુરૂઃ કર્ણાટકમાં 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં સખત હાર પછી વિધાનસભા પક્ષના નેતા એમ સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એટલું જ સિદ્ધારમૈયાએ વિપક્ષના નેતા પદ પણ છોડી દીધું છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભાની 15 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપ 12 બેઠકો જીતી ગઈ છે. ત્યારે કોંગ્રેસના ફાળે માત્ર બે જ બેઠકો આવી છે. જ્યારે આગલી ચૂંટણી વખતે 12 બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો.
રાજીનામું આપવાની જાહેરાત કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે વિધાનસભા પક્ષના નેતા હોવાને નાતે મારી ફરજ છે કે મારે લોકતંત્રનું સમ્માન કરવું જોઈએ. મે સોનિયા ગાંધીને મારુ રાજીનામુ મોકલી આપ્યું છે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ પાંચ વર્ષ સુધી કર્ણાટકના સીએમ રહ્યા હતા. મુખ્ય ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી ન મળતા તેમને વિધાનસભા પક્ષના નેતા બનાવ્યા હતા.
સિદ્ધારમૈયા પછી કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ સમિતી(કેપીસીસી)ના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે પણ રાજીનામું આપી દીધું છે. ગુંડુ રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણીની જવાબદારી મને સોંપવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગીમાં મારી ભૂમિકા મહત્વની રહી હતી. આ સંજોગોમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી મારી છે. એટલા માટે હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે સતત કામ કરતો રહીશ.
કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણીમાં 15 બેઠકોમાંથી ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપે 10 બેઠકો જીતી લીધી છે, અને બે પર તેમના ઉમેદવાર ઘણા આગણ ચાલી રહ્યા છે. પેટાચૂંટણીના પરિણામ પછી સીએમ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપના 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે તેમને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.
પેટાચૂંટણીમાં ભાજપની જીત પછી સીએમ યેદિયુરપ્પાએ ખુશી સાથે કહ્યું હતું કે હવે તેઓ કોઈપણ સમસ્યા વગર સ્થાયી સરકાર ચલાવી શકશે. અત્રે નોંધનીય છે કે યેદિયુરપ્પાને સત્તામાં રહેવા માટે કોઈપણ સંજોગોમાં 6 બેઠકો જીતવી જરૂરી હતી. બીજી તરફ કોંગ્રેસના ખાતામાં ફકત બે જ બેઠકો આવી છે. પરિણામ પછી કોંગ્રેસની છાવણીમાં ઉદાસી છવાઈ ગઈ છે. સવારે 11 વાગ્યા પછી શરૂઆતી રુઝાનને જોતા જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હતી.
કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે અમે 15 બેઠકો પર મતદારોનો જનાદેશને માથે ચઢાવવો પડશે. લોકોએ પાર્ટી બદલુઓને સ્વીકારી લીધા છે. અમે હાર સ્વીકારી છે. મને નથી લાગતુ કે અમારે હતોત્સાહિત થવાની જરૂર છે.