અયોધ્યા – ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાધામના નગરમાં હિન્દુત્વવાદી પાર્ટી શિવસેના આવતા રવિવારે તેનો જબ્બર શો કરવાની છે ત્યારે પોલીસે કડક સુરક્ષા દ્વારા નગરમાં કિલ્લેબંધી રચી દીધી છે.
દરમિયાન, શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આજે એવો સવાલ કરીને એવી સનસનાટી ફેલાવી દીધી છે કે, ‘બાબરી મસ્જિદ માત્ર 17 મિનિટમાં તૂટી શકી હતી, તો પછી એની જગ્યાએ રામ મંદિર બાંધવા માટે દસ્તાવેજો તૈયાર કરવામાં આટલો બધો સમય કેમ લાગી ગયો છે?’
સંજય રાઉત પાર્ટીના અન્ય નેતાઓ તથા શિવસેનાના સેંકડો સમર્થકોની સાથે બે વિશેષ ટ્રેન દ્વારા છેલ્લા બે દિવસથી અયોધ્યા નગરમાં આવી ગયા છે. એમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઉત્તર પ્રદેશ સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામાં પણ એમના અધિક સભ્યો છે જેઓ રામ મંદિર બંધાય એને ટેકો આપી રહ્યાં છે.
રાઉતે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે અમે તો બાબરી મસ્જિદ માત્ર 17 મિનિટમાં જ તોડી પાડી હતી, પણ એ પછીના પેપર વર્કમાં, એટલે કે કાયદો કે વટહૂકમ ઘડવામાં આટલો બધો સમય કેમ લાગી ગયો?
ઉલ્લેખનીય છે કે, શિવસેના પાર્ટી કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર છે, પણ છેલ્લા અમુક મહિનાઓથી એ બંને વચ્ચેના સંબંધો બગડ્યા છે.
રાઉતે માગણી કરી હતી કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઝડપથી બંધાય એ માટે સરકારે કાયદો ઘડવો જોઈએ.
રામ મંદિરનું વહેલી તકે બાંધકામ થાય એવી માગણી પર દબાણ લાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ આવતા રવિવારે ધર્મ સભાનું આયોજન કરનાર છે. આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટેકો છે.