‘બર્લિનની દીવાલ પણ તૂટી ગઈ, કરતારપુર બોર્ડર કોરિડોર પણ એક સેતુ બની શકે છે’: પીએમ મોદી

નવી દિલ્હી – કરતારપુર સાહિબ કોરિડોરને ડેવલપ કરવાની કેન્દ્રીય પ્રધાનમંડળે જાહેરાત કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બર્લિન દીવાલને કરતારપુર સાહિબ કોરિડોર સાથે સરખાવી છે.

પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું વિભાજન કરનાર બર્લિન વોલને 1989માં તોડી પાડવામાં આવી હતી.

મોદીએ કહ્યું કે જો બર્લિન વોલ પણ તૂટી શકી હતી તો સૂચિત કરતારપુર સાહિબ કોરિડોર પણ ભારત અને પાકિસ્તાનનાં લોકો વચ્ચે એક સેતુ તરીકે કામ કરી શકે છે.

મોદીએ ભાજપના ભાગીદાર પક્ષ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આયોજિત ગુરુપુરબ સમારોહમાં જણાવ્યું હતું કે કોઈએ સપનામાંય વિચાર્યું નહોતું કે બર્લિન દીવાલ તૂટી જશે. ગુરુનાનકજી દેવના આશીર્વાદથી આ કરતાપુર સાહિબ કોરિડોર માત્ર એક કોરિડોર જ બની નહીં રહે, પણ બંને દેશના લોકો વચ્ચે એક સેતુ તરીકે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં આવેલું શીખ ધર્મીઓનું એક યાત્રાધામ છે. શીખોનાં ધર્મગુરુ ગુરુનાનકે આ સ્થળે એમના જીવનના આખરી 18 વર્ષ વિતાવ્યા હતા. આ સ્થળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાન નરોવાલ જિલ્લામાં આવેલું છે. ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનકથી પાકિસ્તાનના પંજાબના નરોવાલસ્થિત કરતારપુર સાહિબને જોડતો એક કોરિડોર (માર્ગ) બાંધવામાં આવે એવી ભારતનાં શીખોની માગણી છે.

કેન્દ્રીય પ્રધાનમંડળે ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કોરિડોર તૈયાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કરતારપુર સાહિબ કોરિડોર બનાવવા માટે પાકિસ્તાન જઈને ત્યાં નવા નિમાયેલા વડા પ્રધાન ઈમરાન ખાન સમક્ષ રજૂઆત કરવામાં સફળ થયેલા પંજાબના કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિધુએ મોદી સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે.

વિદેશ મંત્રાલયે આ અંગે પાકિસ્તાન સરકારને સંદેશો પણ મોકલી દીધો છે અને એને વિનંતી કરી છે કે આંતરરાષ્ટ્રીય સરહદેથી ગુરુદ્વારા કરતારપુર સાહિબ સુધી પાકિસ્તાન કોરિડોર બનાવે અને ભારતથી આવનાર યાત્રાળુઓ માટે સુવિધાઓનું નિર્માણ કરે.

પાકિસ્તાન સરકાર એ માટે સહમત થઈ છે. 2019માં ગુરુ નાનકની 550મી જન્મજયંતીએ કરતારપુર સાહિબ ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન 28 નવેમ્બરે સરહદ પર પાકિસ્તાનની બાજુએ કરતારપુર બોર્ડર કોરિડોરનું ઉદઘાટન કરશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન

મોદીએ દિલ્હીમાંના સમારોહમાં કહ્યું હતું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે ગુરુ નાનકની પાદુકાઓને જ્યાં રાખવામાં આવી હતી એ પવિત્ર સ્થળનું ફરી બાંધકામ કરવાનો આદેશ આપ્યો હતો. ભૂકંપને કારણે એ સ્થળને નુકસાન પહોંચ્યું હતું. આજે એ સ્થળ વર્લ્ડ હેરિટેજ સ્થળ બની ગયું છે. ગુરુનાનકજીના આશીર્વાદથી કરતારપુર કોરિડોર માત્ર એક માર્ગ જ બની નહીં રહે, પણ બંને દેશનાં લોકોને સાંકળવાનું એક કારણ બની શકે છે.

જર્મનીના બે ટૂકડા કરી દેવાયા બાદ પૂર્વ અને પશ્ચિમ જર્મનીને અલગ કરતી ‘બર્લિન દીવાલ’ 1961માં બાંધવામાં આવી હતી. એને 1989ની 9 નવેમ્બરે તોડી પાડવામાં આવી હતી. એ સાથે 1990થી જર્મની ફરી સંયુક્ત થયું હતું.