મુંબઈઃ શિવસેના શાસિત ઠાણે નગર નિગમે પોતાના પગાર ખાતાઓને એક્સિસ બેંકમાંથી હટાવીને નેશનલાઈઝ્ડ બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. નગર નિગમના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ કહ્યું કે ઠાણેના મેયર મ્હાસ્કેએ ગુરુવારના રોજ એક બેઠકમાં અધિકારીઓને ખાતાઓને એક્સિસ બેંકમાંથી કોઈ અન્ય નેશનલાઈઝ્ડ બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટનાક્રમ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની તેમજ એક્સિસ બેંકમાં વરિષ્ઠ પદ પર આસીન અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચેના વાકયુદ્ધ બાદ થયો છે.
ખાતાઓને ટ્રાન્સફર કરવાનો નિર્ણય એવા સમાચારો વચ્ચે આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે એક્સિસ બેંકને મહારાષ્ટ્ર પોલીસ વિભાગનું વાર્ષિક 11 હજાર કરોડ રુપિયાનું વેતન રાખવાથી હાથ ધોવા પડી શકે છે કારણ કે ઉદ્ધવ ઠાકરેની સરકાર આ રકમને સાર્વજનિક ક્ષેત્રની બેંકમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી રહી છે. આ બધુ જ અમૃતા ફડણવીસના એ ટ્વીટ બાદ શરુ થયું કે જેમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું.
રાહુલ ગાંધીના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, રાહુલ હિંદુત્વ વિચારક વીર સાવરકરના નખ બરાબર પણ નથી. આના પર અમૃતાએ પોતાના પતિ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન તરફ ઈશારો કરતા રવિવારના રોજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું હતું કે, કોઈપણ પોતાના નામની આગળ ઠાકરે લગાવીને ઠાકરે ન બની શકે. બાદમાં શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પલટવાર કરતા કહ્યું કે, ઠાકરે પોતાના નામ પર ખરા ઉતરી રહ્યા છે અને અમૃતા ફડણવીસ આ વાતથી અજાણ છે.