નાગરિકતા બિલનો વિરોધઃ ઉત્તર પ્રદેશના 21 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસા બાદ એકવાર ફરીથી ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે 21 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. 21 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે, આવનારા સમયમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને અને સંજોગો જો યોગ્ય હશે તો ઈન્ટરનેટ ચાલું કરવામાં આવશે. ડીજીપીએ કહ્યું કે, અમે ઘણા સંગઠનોના સક્રિય દળોના સભ્યોની ધરપકડ કરી છે, ભલે તેઓ PFI અથવા અન્ય કોઈ રાજનૈતિક દળ હોય. રાજ્યના 21 જિલ્લામાં અત્યારે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 19 થી 21 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાય ભાગોમાં હિંસા ભડકી હતી, જેમાં 21 જેટલા પ્રદર્શનકારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક મૃતદેહો પર બંદૂકની ગોળીના ઘા હતા. પરંતુ પોલીસે જોર આપીને કહ્યું કે, પ્લાસ્ટિક અને રબરની ગોળીઓ સિવાય એકપણ ગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પોતાની કાર્યવાહીને યોગ્ય સાબિત કરવા માટે પોલીસે તાજેતરમાં જ વિરોધ પ્રદર્શનો દરમિયાન બે પ્રદર્શનકારીઓ ગોળીબાર કરી રહ્યા છે તેવા વિડીયો રિલીઝ કર્યા છે. ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ દાવો કર્યો કે આ હિંસામાં પોલીસને પણ મોટું નુકસાન થયું છે. તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, રાજ્યના 21 જિલ્લામાં થયેલી હિંસામાં 288 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ પૈકી 62 પોલીસ કર્મચારી ગોળી વાગવાના કારણે ઘાયલ થયા છે.