નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનામાં રાજકીય ખેંચતાણ વચ્ચે શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. તો બીજી તરફ એવી પણ અટકળો ચાલી રહી છે કે, ઉદ્વવ ઠાકરેની શરદ પવાર સાથે ફોન પર વાતચીત થઈ છે. હવે સવાલ એ પણ ઉઠે છે કે, શું શરદ પવાર કિંગમેકર બની શકે છે?
ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણને લઈને એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, લોકોએ તેમની પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે ચૂંટયા છે જેથી એમે એ જ ભૂમિકા નિભાવશું. એનસીપી અને કોંગ્રેસનું સમર્થન મેળવી શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે તેવી ચર્ચા વચ્ચે પવારે આ નિવેદન આપ્યું છે. તેમણે નાસિકમાં પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને બાલિશ ગણાવી. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં સંયુક્ત રીતે ચૂંટણી લડનારી પાર્ટી ભાજપ ને શિવસેનાએ ક્રમશ: 105 અને 56 બેઠકો પર જીત મેળવી.
એનસીપી અને કોંગ્રેસને ક્રમશ: 54 અને 44 બેઠકો મળી છે. એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનીની સરકાર બનાવવાની સંભાવના અંગે પુછવામાં આવતા પવારે કહ્યું કે, આ મામલે તેમની પાર્ટીમાં કોઈ ચર્ચા નથી થઈ. અમારી પાસે સ્પષ્ટ બહુમત નથી. લોકોએ અમને વિપક્ષ માટે પસંદ કર્યા છે અમે એ જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને અમે પ્રભાવી રૂપથી આ ભૂમિકા નિભાવશું. શિવસેના એ વાત પર ભાર મુકી રહી છે કે, અઢી અઢી વર્ષ માટે ભાજપ અને તેમના મુખ્યમંત્રી બને.
ભાજપને સેનાનો આ પ્રસ્તાવ મંજૂર નથી. વિજેતા દળોનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે, લોકોએ તેમને સરકાર રચવાની તક આપી છે. તેમણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. પણ હાલ જે નાટક ચાલી રહ્યું છે તે મારી દ્રષ્ટીએ બાલિશ છે.