નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આવતા ત્રણ દિવસ સુધી ઠંડીનું તીવ્ર મોજું છવાયેલું રહેશે. આવતા બુધવાર સુધી તે સ્થિતિ રહી શકે છે. દિલ્હી-NCRમાં આજે અને આવતીકાલે તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ રહે એવી સંભાવના છે. 18 જાન્યુઆરીએ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જેને લીધે દિલ્હીવાસીઓને કાતિલ ઠંડીથી સહેજ રાહત મળશે.
રેલવે વહીવટીતંત્રએ કહ્યું છે કે ગાઢ ધૂમ્મસને કારણે ઉત્તરીય રેલવે વિભાગ પર અનેક ટ્રેનો મોડી દોડી રહી છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી ઉપરાંત રાજસ્થાનમાં પણ 18 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી પડશે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મંગળવાર સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.