બિહારમાં છેલ્લા 15 દિવસમાં પૂલ તૂટવાની સાતમી ઘટના

પટનાઃ બિહારમાં પૂલ પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બિહારમાં ચોમાસું બેસવાની સાથે ત્રણ પૂલોએ 12 કલાકની અંદર જળ સમાધિ લીધી હતી. થોડા દિવસ પહેલાં અહીં પૂલ ગંડક નદીમાં સમાયો હતો. બુધવારે સિવાનના મહારાજગંજમાં એક જ દિવસમાં અચાનક ત્રણ પૂલો તૂટ્યા હતા. ગંડક નદી પર બનેલા બે પૂલ અને ધમહી નદી પર બનેલો એક પૂલ તૂટી ગયો હતો. ગંડકી નદી પર બનેલા પૂલનો એક હિસ્સો બુધવારે સવારે તૂટી પડ્યો હતો. આ છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં બનેલી આવી સાતમી ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગંડકી નદી પરના પૂલનો એક હિસ્સો તૂટ્યો તો વિભાગ દ્વારા વધુપડતી માટી દૂર કરવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. જોકે આ પૂલ તૂટવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે નથી કોઈ ઇજાગ્રસ્ત થયું.

વરિયા પંચાયત અને તેવથા પંચાયતની વચ્ચે ધમહી નદીનો પૂલ તૂટ્યો હતો. 22 જૂને આ ગંડક નદીની નહેર પર વહેલી સવારે પટેઢા બજાર અને રામગઢા પંચાયતની વચ્ચે બનેલો પૂલ પત્તાંના મહેલની જેમ તૂટી ગયો હતો.  બીજી બાજુ. સીતામઢીમાં દુર્ગા મંદિરની સમીપ બાંકે નદીમાં બનેલો પૂલ પાણીના તેજ વહેણને કાણે તૂટી ગયો હતો. છેલ્લા 13 દિવસોમાં 10 પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે. 18 જૂને અરરિયામાં નિર્માણાધીન પૂલ તૂટ્યો હતો.  રાજ્યમાં ચોમાસું બેસવાની સાથે એક પછી એક પૂલ કે પૂલનો થોડો હિસ્સો ધરાશાયી થઈ રહ્યા છે. સતત પૂલ તૂટવાની ઘટનાઓને લઈને વિપક્ષ સરકાર પર હુમલો કરી રહી છે, જ્યારે બીજી બાજુ, સરકારે પૂલો તૂટવાની તપાસ કરાવવા માટે એક સમિતિની રચના કરી છે.