નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન દરમિયાન મંગળવારના રોજ દિલ્હીના સલીમપુર-જાફરાબાદ વિસ્તારમાં ભડકેલી હિંસા મામલે પોલીસે કુલ ત્રણ એફઆઈઆર નોંધી છે. પોલીસે આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરી છે. તો બાકી લોકોની ધરપકડ કરવા માટે રેડ પાડવામાં આવી રહી છે. એક એફઆઈઆર વ્રજપુરીમાં પથ્થરમારાની ઘટનાને લઈને નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદર્શનમાં ગુનેગારો હોય તેવી પણ શક્યતાઓ છે અને શક્યતા છે કે આ લોકોએ જ હિંસા ભડકાવી છે. સાથે જ દિલ્હીમાં ઉત્તર-પૂર્વના જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામિયા બાદ પૂર્વી દિલ્હીના સલીમપુર વિસ્તારમાં પણ મોટાપાયે વિરોધ થયો હતો. નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે આશરે 2,000 લોકો એકત્ર થયા હતા. લોકોએ સલીમપુર ટી પોઈન્ટથી જાફરાબાદ ટી પોઈન્ટ વચ્ચે પથ્થરમારો કર્યો છે. પ્રદર્શનકારીઓએ આ દરમિયાન પોલીસ ચોકીને પણ આગના હવાલે કરી દીધી હતી. ઘણી બસોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા. આખા વિસ્તારમાં ફોર્સ તેનાત કરી દેવામાં આવી છે. વિરોધ થયા બાદ વેલકમ, જાફરાબાદ, મોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તર દિલ્હીના સલીમપુર વિસ્તારમાં મંગળવારના રોજ સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી, આ દરમિયાન સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો પ્રયોગ કર્યો હતો. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સલીમપુર ટી પોઈન્ટ પર લોકો એકત્ર થયા અને બપોરો આશરે 12 વાગ્યે વિરોધ પ્રદર્શન શરુ થયું. પ્રદર્શનકારીઓએ નાગરિકતા કાયદો, એનઆરસી, અને સરકારના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા.