જમ્મુ કશ્મીરમાં સુરક્ષા દળોની આતંકીઓને લઇને નવી રણનીતિ…

જમ્મુ– જમ્મુ કશ્મીરમાં આતંકવાદને લઇને સુરક્ષા દળોની રણનીતિમાં આગામી સમયમાં ફેરફાર જોવા મળી શકે છે. આક્રમક વલણથી છેલ્લાં સાત માસમાં 70થી વધુ આતંકીને ઠાર કરવામાં સફળ નીવડ્યાં બાદ સુરક્ષા દળો હવે નવું સૂત્ર અપનાવશે. હવે ઉદ્દેશ છે કે આંતકી સંગઠનોમાં નવા શામેલ થવાવાળાં યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેમને પોતાના પરિવાર પાસે પાછાં જવાં પ્રેરિત કરવાં.

સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓએ આ નવી રણનીતિ સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે આનાથી આતંકીઓ માટે જમીન પર કામ કરવાવાળા લોકોનું નેટવર્ક તૂટી શકે છે. આતંકી સંગઠનોમાં નવા જોડાયેલાં યુવાનોને જીવતાં પકડવા અને તેમની ફરિયાદોને સમજવી એ આ રણનીતિનો મુખ્ય ભાગ છે. નાની વયના આતંકીઓના બ્રેઇનવૉશને મરવાની હદ સુધી તૈયાર કરવામાં કઇ જાતનો સંબંધ છે તેની જડ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવશે.

સુરક્ષાદળોને ઇનપુટ મળ્યાં છે કે કેટલાય યુવકો પાછાં ફરવા માગે છે તેમના પરિવારજનોએ પણ સુરક્ષાદળોનો સંપર્ક કર્યો હતો. તેથી માનવામાં આવી રહ્યું છે કે સેનાની નવી રણનીતિને સફળ બનાવવામાં આતંકીઓના પરિવારજનોનો સહકાર મળશે. અને પાછાં ફરતાં યુવકોને સામાન્ય જીવન જીવવા અને શિક્ષણ ફરીથી શરુ કરવામાં મદદ મેળવવામાં કોઇ વાંધો નથી.