નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ને લગતા પોતાના ઇન્સ્પેક્શન રિપોર્ટ માહિતી પ્રાપ્તિના અધિકારના કાયદા હેઠળ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે.
કો-લોકેશન કૌભાંડ સંબંધે વિવાદમાં સપડાયેલા એનએસઈના કેસમાં વર્ષ 2013થી અત્યાર સુધીમાં તૈયાર કરાયેલા ઇન્સ્પેક્શન રિપોર્ટની વિગતો જાણવા માટે આરટીઆઇ કાર્યકર્તા સુભાષ અગ્રવાલે સેબી પાસે આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) અરજી કરી હતી.
માહિતી આપવાનો ઈનકાર કરતાં સેબીએ કહ્યું છે કે આ માહિતી તેના આંતરિક કામકાજને લગતી છે અને જો એ જાહેર કરવામાં આવે તો દેખરેખની અને નિયમનની ભૂમિકાના ભાગરૂપે લેવાનારા નિર્ણયો પર તેની અસર પડી શકે છે.
અગ્રવાલે એક સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે રિઝર્વ બૅન્કે ખાનગી કે સરકારી બૅન્કો સંબંધે તૈયાર કરેલા ઇન્સ્પેક્શન રિપોર્ટ માહિતી પ્રાપ્તિના અધિકાર (આરટીઆઇ) હેઠળ આવે છે એવું સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે. જે રીતે રિઝર્વ બૅન્ક કોમર્શિયલ બૅન્કો માટેની નિયમનકારી સંસ્થા છે એ જ રીતે સેબી સ્ટોક એક્સચેન્જો માટેની નિયમનકારી સંસ્થા છે. આથી તેણે એનએસઈ સંબંધે તૈયાર કરેલા ઇન્સ્પેક્શન રિપોર્ટ આપવા જ જોઈએ.
અગ્રવાલે રિપોર્ટની વેબ લિંક પ્રાપ્ત કરવા માટે પણ વિનંતી કરી હતી, પરંતુ સેબીએ આરટીઆઇ એક્ટની કલમ 8(1)(ડી)ને ટાંકીને કહ્યું છે કે અરજદારે માગેલી માહિતીમાં અન્ય એન્ટિટીઝની કોમર્શિયલ ગોપનીય માહિતી પણ સામેલ છે, જે જાહેર થાય તો એમની સ્પર્ધાત્મકતા પર વિપરીત અસર થઈ શકે છે.
અહીં જણાવવું રહ્યું કે સીબીઆઇએ એનએસઈના કો-લોકેશન કેસમાં ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કર્યા બાદ દિલ્હીની વિશેષ અદાલતે સેબીની આકરી ટીકા કરી છે. આ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે કહ્યું છે કે સેબી નિયમનકાર હોવા છતાં તેણે એનએસઈના કેસમાં કાર્યવાહી કરવા પર ધ્યાન આપ્યું નથી.