નારનૌલઃ હરિયાણાના નારનૌલમાં બાળકો ભરેલી સ્કૂલ બસ પલટવાથી મોટી દુર્ઘટના બની છએ. આ દુર્ઘટનામાં છ બાળકોનાં મોત થયાં છે, એમ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું. એ સાથે 12 બાળકો ઇજા પામ્યા છે. આ ઘટના નારનૌલના કિનિના ઉનહાનિ ગામની પાસે બની હતી. મોટો સવાલ એ છે કે ઇદની સરકારી રજાના દિવસે પણ સ્કૂલ ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ચૂક્યું છે. ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો.
આ બસ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. લોકોનું કહેવું છે કે બસ ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને સંતુલન ગુમાવ્યા બાદ તે ઝાડ સાથે અથડાઈ હતી. જેને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો અને અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
પોલીસને મળેલી માહિતી મુજબ બસમાં કુલ 20-25 બાળકો હતાં. બસચાલક ઊંઘતો હતો કે નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તો પછી પણ ખાનગી શાળાએ રજા જાહેર કરી ન હતી.પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું. છ બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો.