ગુરુગ્રામ – દેશની રાજધાની નવી દિલ્હીની પડોશમાં આવેલા હરિયાણા શહેરના ગુરુગ્રામ શહેરમાં ગઈ કાલે સાંજે એક નામાંકિત શાળાનાં 20-25 વિદ્યાર્થીઓ અને અમુક શિક્ષિકાઓ એક હુમલામાં આબાદ બચી ગયા હતા. પદ્માવત ફિલ્મ સામે વિરોધ કરી રહેલા લોકોના ટોળાએ જી.ડી. ગોએન્કા વર્લ્ડ સ્કૂલની બસ પર પથ્થરમારો કર્યો હતો.
હુમલો કરાયો હતો ત્યારે સ્કૂલનાં વિદ્યાર્થીઓ એમનાં ઘેર પાછાં ફરી રહ્યાં હતાં. લગભગ 60 જેટલા લાઠીઓ અને પથ્થરો સાથે સજ્જ થયેલા દેખાવકારોએ બસ પર હુમલો કર્યો હતો અને બસ ડ્રાઈવરને બસ રોકવા કહ્યું હતું. ડ્રાઈવરે બસ ન રોકી એટલે અસામાજિક તત્વોએ એની પર પથ્થરમારો કર્યો હતો.
સદ્દભાગ્યે એ હુમલામાં કોઈ બાળકને ઈજા થઈ નહોતી. ગભરાઈ ગયેલા બાળકો સીટની નીચે છુપાઈ ગયા હતા. દેખાવકારોના પથ્થરમારાને કારણે બસની કેટલીક બારીઓના કાચ તૂટી ગયા હતા. બાળકોએ ચીસાચીસ કરીને મદદ માટે બૂમો પાડી હતી.
એ બનાવના સંબંધમાં ગુરુગ્રામ પોલીસે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.
બીજી બાજુ, પદ્માવત ફિલ્મ સામે વિરોધ કરી રહેલા કરણી સેના સંગઠને કહ્યું છે કે ગુરુગ્રામમાં સ્કૂલ પરના હુમલામાં તેના કાર્યકર્તાઓ સંડોવાયેલા નથી. શ્રી રાજપૂત કરણી સેનાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું છે કે, એક વિડિયો બનાવવામાં આવ્યો છે અને પછી કોઈ ચકાસણી કર્યા વિના એને દરેક ટીવી ચેનલ પર બતાવવામાં આવ્યો છે અને પછી રાજપૂતોને દોષી ગણાવવામાં આવ્યા છે.