ASEAN દેશોના નેતાઓને નિમંત્રણ, આંતરરાષ્ટ્રીય જગતમાં વધી રહ્યું છે ભારતનું કદ

નવી દિલ્હી- આ વખના પ્રજાસત્તાક દિવસે એવી પ્રથમ ઘટના બનશે જ્યારે સમારોહમાં અતિથિ તરીકે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સમૂહ આસિયાનના 10 દેશોના પ્રતિનિધિઓ એક સાથે ભારતના મહેમાન બનશે. આ ગણતંત્ર દિવસ એટલા માટે પણ યાદ રાખવામાં આવશે કારણકે, ભારત આસિયાન દેશોનું સદસ્ય નથી. જોકે સુરક્ષામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ભારત 1994માં બનાવવામાં આવેલા આસિયાન ક્ષેત્રીય ફોરમમાં સમાવેશ કરાયેલા અમેરિકા, રશિયા, ચીન, જાપાન અને ઉત્તર કોરિયા સહિત 23 સદસ્યો પૈકી એક છે. જેથી આ દ્રષ્ટિકોણ પ્રમાણે પણ આસિયાન દેશો સાથે સહયોગ જાળવી રાખવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાથી ઈનકાર કરી શકાય નહીં.આ વખતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં સંયુક્ત મુખ્ય અતિથિની નવી પરંપરા શરુ કરવામાં આવી છે. જે ભારતીય સંસ્કૃતિના ‘અતિથિ દેવો ભવ:’ના આદર્શને સાર્થક કરે છે. મહત્વનું છે કે, ભારતના વિશ્વના લગભગ બધા જ દેશો સાથે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યવસાયિક સંબંધોના મૂળમાં ક્યાંકને ક્યાંક અતિથિ સત્કારની ભાવના રહેલી છે.

ભારત અને આસિયાન દેશો વચ્ચે વ્યવસાયમાં ભાગીદારીની શરુઆત વર્ષ 1992થી કરવમાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પરસ્પર આશરે 70 અબજ ડોલર જેટલું રોકાણ કરવામાં આવ્યું છે. વિશ્વની આશરે 30 ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરનારા ભારત અને આસિયાન દેશોએ મળીને અંદાજે 511 ખરબની પોતાની ઉભી કરેલી સુદ્રઢ અર્થવ્યવસ્થા પણ પોતાનામાં એક મજબૂત અર્થવ્યવસ્થા છે.

આ ઉપરાંત ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે આસિયાન દેશોના નેતાઓને નિમંત્રણ એ વૈશ્વિક સમુદાયમાં ભારતનું કદ વધુ ઉંચુ બનાવશે. આ અતિથિ સત્કાર આસિયાન દેશોના નેતાઓ ઉપરાંત આસિયાન દેશોમાં વસતા એ 60 લાખ ભારતીયોનો પણ સત્કાર છે જે વિશ્વમાં ભારતનું નામ રોશન કરવામાં હંમેશા આગળ પડતું કામ કરતાં રહ્યાં છે.