રણવીરને વિભદ્ર કોમેટ મામલે SCની ટકોર, શો કરવાની મંજૂરી આપી

રણવીરે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા શોને ફરી શરૂ કરવાની માગ કરતી અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે. ઈન્ડિયા ગોટ લેટેન્ટ કેસમાં રણબીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રણવીરને આ શો ફરી શરૂ કરવા મંજૂરી આપી છે. અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પ્રતિબંધના આદેશમાં સુધારો કરવાની માંગ કરતાં જણાવ્યું હતું કે, ‘આ શો સાથે 280 કર્મચારીઓ જોડાયેલા છે. તેમનો જીવનનિર્વાહ આ શોથી જ ચાલી રહ્યો છે. આ તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન છે.’

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, ‘એક વ્યક્તિ છે જે હાલ 75 વર્ષનો છે. તે એક હાસ્ય શો કરે છે. જેને આખો પરિવાર સાથે મળીને જોઈ શકે છે. આ એક પ્રતિભા છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિભા નથી. એવા ઘણા હાસ્ય કલાકારો છે, જે સારા વ્યવહાર મારફત ટીકાઓ, ટીખળ કરતાં હોય છે. સરકારની ટીકા પણ સારા શબ્દોમાં કરી લોકોને મનોરંજન પૂરુ પાડતા હોય છે. તમારી પાસે વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર  છે, એટલે તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ બોલો. આ શો તમામ વયજૂથના લોકો જુએ છે. બાળકો, બહેન-દિકરી, માતા-પિતા તમામ લોકો આ શો જુએ છે. હાસ્ય અને મનોરંજન માટે રચનાત્મક્તા અને પ્રતિભા જરૂરી છે. અભદ્ર ભાષા નહીં.’

સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર સુપ્રીમ કોર્ટે મોટું પગલું લેતાં નૈતિકતા અને આઝાદી વચ્ચે સંતુલન જાળવી રાખતો નિયમ ઘડવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે. કેન્દ્ર સરકારને આ પ્રકારના નિયમો પર વિચારણા કરવા કહ્યું છે. તેમજ તેના માટે મીડિયા સહિત હિતધારકોની સલાહ લેવા પણ ભલામણ કરી છે. કોર્ટે કહ્યું કે, હાસ્ય એ એક વસ્તુ છે, જેનો આનંદ આખો પરિવાર લઈ શકે છે. જ્યાં ટેલેન્ટ હોય તો અભદ્ર ભાષાની જરૂર નથી.’

જસ્ટિસ કાંતે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરે પર લેખ લખી રહ્યા છે. અમે જાણીએ છીએ કે તેમને કેવી રીતે હેન્ડલ કરવાં. દરેક મૂળભૂત અધિકાર પછી ફરજ આવે છે. અને પ્રતિબંધો પણ હોય છે. પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ મહારાષ્ટ્ર સાયબર પોલીસને આપેલા નિવેદનમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી કે, તેણે વિવાદિત નિવેદન આપીને ભૂલ કરી છે. યુટ્યુબ શો દરમિયાન અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીને કારણે વિવાદ ઊભો થયો હતો. મહારાષ્ટ્ર સાયબર અને મુંબઈ પોલીસ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ કરી રહી છે. અલ્હાબાદિયાએ માતા-પિતા અને સંભોગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેની દેશભરમાં વ્યાપક ટીકા થઈ હતી અને આ મામલે FIR નોંધવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ રણવીર સામે લોકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયા પર રણવીર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.