નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પતંજલિની જાહેરાત મામલે યોગ ગુરુ સ્વામી રામદેવના માફીનામા પર સુનાવણી કરી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટથી માફી માગી હતી. જોક કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતંજલિની માફી હજી સ્વીકાર નથી કરવામાં આવી. કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને એક સપ્તાહની રાહત આપી હતી.
કોર્ટે સ્વામી રામદેવને પૂછ્યું હતું કે કંઈ વધારાનું આપવા ઇચ્છો છો? ત્યારે રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે અમે હજી કંઈ ફાઇલ નથી કર્યું, પણ અમે જાહેરમાં માફી માગવા ઇચ્છીએ છીએ. રામદેવ અને આચાર્યએ કોર્ટના આદેશોના ઉલ્લંઘન માટે ન્યૂઝપેપરમાં જાહેર માફી પ્રકાશિત કરવાની રજૂઆત કરી હતી. કોર્ટે ફટકાર લગાવતાં કહ્યું હતું કે આદેશ છતાં તમે જાહેરાત છાપી અને ભાષણ આપ્યું. મહર્ષિ ચરકના સમયથી આયુર્વેદ ચાલી રહ્યું છે. પોતાની પદ્ધતિ માટે બીજી પદ્ધતિને રદ કરવાની વાત કેમ કહી?
જજે કહ્યું હતું કે અમે તમારા વલણની વાત કરી રહ્યા છીએ. તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમે અમારા આદેશને અવગણ્યો છે અને તમે બીજાની દવાને ખરાબ બતાવી છે. ગંભીર બીમારીઓની દવાની જાહેરાત પ્રતિબંધિત છે. કોર્ટે કહ્યું હતું કે તમે બિનજવાબદાર વલણ દાખવ્યું છે. ભ્રામક જાહેરાત મામલામાં સુનાવણી દરમ્યાન યોગ ગુરુ રામદેવે કોર્ટને કહ્યું હુતં કે મારો કોઈ પ્રકારે કોર્ટનો અનાદર કરવાનો નહોતો. કોર્ટે કંપનીના MS બાલકૃષ્ણને કહ્યું હતું કે તમે સારું કામ કરી રહ્યા છો, પણ તમે એલાપથીને નીચી ના દેખાડી શકો.