સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન ધારકોને કેન્દ્ર સરકારની ચેતવણી

નવી દિલ્હીઃ ભારતમાં સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા અઢળક, કરોડોમાં છે. આજકાલ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર વાત કરવા માટે અને મેસેજ મોકલવા-મેળવવા માટે જ નહીં, પરંતુ બેન્કિંગ-નાણાકીય સોદાઓ કરવા, ફોટોગ્રાફી માટે, ઓનલાઈન મીટિંગ જેવા કામો માટે પણ કરે છે. આને કારણે તમારા ફોનમાં ઘણી ખાનગી-સંવેદનશીલ માહિતીનો સંગ્રહ પણ થયો હોય છે. આને સુરક્ષિત રાખવા માટે કોરિયાની સેમસંગ કંપની તેના ડિવાઈસીસ અને એપ્સ માટે અવારનવાર સિક્યુરિટી અપડેટ્સ બહાર પાડતી રહે છે. કંપની તેના ફોનધારકોને એના એપ્સના લેટેસ્ટ વર્ઝનને ઈન્સ્ટોલ કરવા જણાવતી જ હોય છે તે છતાં ઘણા યૂઝર્સ જૂના વર્ઝનને જ વાપર્યે રાખે છે. એવા લોકોના ફોનને એક્સેસ કરવામાં સાઈબર ચોરટાઓ સફળ થાય છે. એક એવી અસુરક્ષિતતા ભારત સરકારના ધ્યાનમાં આવી છે જેને પગલે તેણે સેમસંગ ગેલેક્સીના ધારકો માટે એક ચેતવણી બહાર પાડી છે.

કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી સંસ્થા ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) તરફથી જણાવવામાં આવ્યું છે કે સેમસંગ ગેલેક્સી સ્ટોર એપમાં એક અસુરક્ષિતતા માલૂમ પડી છે જેનો લાભ લઈને કોઈ સ્થાનિક સાઈબર હુમલાખોર ટાર્ગેટ કરેલા ફોન પર, યૂઝરની જાણ વગર એક અનિચ્છનીય એપ ઈન્સ્ટોલ કરી દેશે અથવા કોઈ સ્વચ્છંદી કોડને કાર્યાન્વિત કરી દેશે. તે અસુરક્ષિતતા 4.5.49.8 વર્ઝન પહેલાંના સેમસંગ ગેલેક્સી સ્ટોર એપ ધરાવતા સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન ધારકોને નુકસાન કરશે.

જો તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં કોઈ દૂષિત હાઈપરલિંક કે કોઈ પ્રિ-ઈન્સ્ટોલ્ડ દુષ્ટ ઈરાદાવાળી એપ્લિકેશનને ટેપ કરશો તો હુમલાખોર તમારા ફોનને એક્સેસ કરવામાં સફળ થશે અને તમારા ફોનમાંની બધી વિગતોને તફડાવી લેશે. કોઈ સ્થાનિક હુમલાખોર સેમસંગના યૂઆરએલ ફિલ્ટરને બાઈપાસ કરી શકશે અને હુમલાખોર-અંકુશિત ડોમેનને વેબવ્યૂ પૂરો પાડી દેશે. આ બધી મુશ્કેલીને ટાળવા માટે તમારે તાત્કાલિક રીતે સેમસંગ ગેલેક્સી સ્ટોર એપના લેટેસ્ટ વર્ઝનને ઈન્સ્ટોલ કરી લેવું જોઈએ.