મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેના જ્યાં સુધી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે ત્યાં સુધી અયોધ્યા આવવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાએ એ રામભક્તોને દગો આપ્યો છે. જેમણે તેમને વોટ આપ્યા હતા. રામ ભક્તોએ તેમને વોટ માત્ર એટલા માટે આપ્યા હતાં કેમ કે તે હિંદુત્વની પાર્ટી હતી. હિંદુ રાષ્ટ્ર આ પાર્ટીનું લક્ષ્ય હતું. ભગવા સમાજ માટે આ પાર્ટી સમર્પિત હતી.
તેમણે એમ પણ કહ્યું કે સત્તાની લાલચમાં ભગવાન રામને કાલ્પનિક કહેનારી કોંગ્રેસ પાર્ટી સાથે શિવસેનાએ ગઠબંધન કરી લીધું. સીએમ ઠાકરે જો અયોધ્યા જશે તો હું પોતે તેનો રસ્તો રોકીશ. મહત્વનું છે કે 7 માર્ચના રોજ ઠાકરે અયોધ્યા રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના દર્શન કરશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આગમનની તૈયારીને લઈને ગયા ગુરુવારે શિવસેના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શહેરના ડીએમ અનુજ કુમાર ઝા સાથે મુલાકાત કરીને સીએમના કાર્યક્રમ સાથે જોડાયેલી માહિતી મેળવી.