RTGS મની ટ્રાન્સફરની સુવિધા હવે 24×7

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) મની ટ્રાન્સફરની સુવિધા રાઉન્ડ-ધ-ક્લોક શરૂ કરી દીધી છે, એની જાહેરાત આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કરી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે RTGS સુવિધાને વર્ષના બધા દિવસોમાં 24 કલાક (24×7) કલાક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત વિશ્વના એ કેટલાક દિવસોમાંનો એક બની ગયો છે, જ્યાં RTGS સિસ્ટમ 24 કલાક સંચાલિત થાય છે. આ પગલાનો હેતુ ડિજિટલ ચુકવણી પર ભાર આપવાનો છે. આ પહેલાં બીજા અને ચોથા શનિવાર સિવાય સપ્તાહના બધા કામકાજના દિવસોમાં RTGS લેવડદેવડની સુવિધા સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ હતી.

RTGS સિસ્ટમ દ્વારા ઉચ્ચ મૂલ્યના વ્યવહારો થાય છે. RTGSના માધ્યમથી પ્રાપ્ત થનારી લઘુતમ રકમ રૂ. બે લાખ છે અને એની કોઈ મહત્તમ મર્યાદા નથી. લાભાર્થી બેન્કને ટ્રાન્ઝેક્શન થયા પછી તત્કાળ ફંડ મેળવ્યાના નિર્દેશ મળશે. બીજી બાજુ NEFT દ્વારા રૂ. બે લાખ સુધીના ફંડ ટ્રાન્સફર થઈ શકશે.

આ ઉપરાંત રિઝર્વ બેન્કે રોગચાળા અને સ્ટેકકહોલ્ડરોના ફીડબેકને ધ્યાનમાં રાખીને પહેલી જાન્યુઆરીથી પોઇન્ટ ઓફ સેલ (PoS) ટર્મિનલો પર કોન્ટેક્સલેસ કાર્ડની લેવડદેવડની મર્યાદા રૂ. 2000થી વધારીને રૂ. 5000 કરવાનો નિર્ણય પણ લીધો છે.