નવી દિલ્હીઃ હલો સર, તમારા નામે એક લકી ડ્રો નીકળ્યો છે. જો તમે ઇચ્છો તો એને કેશ કરાવી શકો છે. સર, આના માટે તમારે કોઈ OTP કે ATM કાર્ડ નંબર નથી જણાવવાનો. તમારી પાસે એક મેસેજ આવ્યો હશે, એમાં તમે જીતેલી રકમ લખી છે- એનો ઉલ્લેખ છે. હવે તમારે માત્ર મેસેજમાં આપેલી લિન્ક પર જઈને જેટલી રકમ તેમે જીતી એ નાખી દેવાની છે, એ નાખ્યા પછી તમારા ખાતામાં ટેક્સ કાપ્યા પછી તરત ડ્રોમાં જીતેલી રકમ ક્રેડિટ થઈ જશે.
મોબાઇલ પર આટલી વાત સાંભળ્યા પછી વાત કરી રહેલી વ્યક્તિની વાત પર તમને વિશ્વાસ વધશએ અને તમે કરોડપતિ બનવાનાં સપનાં જોવા લાગશો. તમને લાગશે કે નસીબ ચમકવા લાગ્યું છે. ત્યાર બાદ તમે ધીમે-ધીમે સાઇબર ઠગોની જાળમાં ફસાતા જશો. તમને એમ લાગશે તેણે તમારા ફોનમાં મોકલેલી લિન્ક પર જશો અને તમારા ખાતામાં પૈસા ક્રેડિટ થઈ જશે, પણ થાય છે એનાથી ઊંધું.
તમે જે લિન્ક પર ક્લિક કરો છો એની થોડી મિનિટોમાં જ તમારા ખાતામાંથી પૈસા નીકળવાનો મેસેજ તમારી પાસે આવશે. તમે કંઇ સમજી શકો એ પહેલાં તમારા ખાતામાં પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે. હાલમાં દિલ્હીમાં એક ઘટનામાં રૂ. 1000 જમા કરવામાં આવ્યા અને ખાતામાંથી રૂ. 23 લાખ કાઢી લેવામાં આવ્યા.
સાઇબર અપરાધીઓ સામાન્ય વ્યક્તિને ઠગવા માટે નિતનવા પ્રકાર અજમાવતા જાય છે. હવે આ અપરાધીઓ પહેલાં ખાતામાં પૈસા જમા કરે છે અને પછી જેતે વ્યક્તિના ખાતામાંથી બધી રકમ ઉપાડી લે છે.
