જોશીમઠમાં અસરગ્રસ્ત-પરિવારોને દોઢ-દોઢ લાખની વચગાળાની આર્થિક મદદ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠ નગરમાં જમીન ધસી પડવાની સમસ્યાના સંદર્ભમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે તે વિસ્તારના અત્યાર સુધીમાં 99 અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તે દરેક પરિવારને વચગાળાની આર્થિક મદદ રૂપે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

ધામીએ વધુમાં જણાવ્યું છે કે, જમીન ધસી પડવાથી જેમના ઘર, દુકાનો તથા વ્યાપાર પેઢીઓને નુકસાન થયું છે એ તમામ લોકોને વચગાળાની સહાય તરીકે તાત્કાલિક રીતે રૂ. દોઢ-દોઢ લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્તોના પુનર્વસનનું મૂલ્યાંકન કાર્ય ચાલી રહ્યું છે. ભવિષ્યમાં અમે મહત્ત્વના નિર્ણયો લઈશું. હજી સુધી એકેય ઘરને તોડી પાડવામાં આવ્યું નથી. સર્વેનું કામ ચાલી રહ્યું છે. તદુપરાંત, તમામ રહેવાસીઓને છ મહિના સુધી વીજળી-પાણીનું બિલ માફ કરી દેવામાં આવ્યું છે.

ચમોલી જિલ્લામાં આવેલું જોશીમઠ (જેને જ્યોતિર્મઠ પણ કહે છે) તે સમુદ્રની સપાટીથી 6,150 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. હિમાલય પર્વતમાળામાં પર્વતારોહણ યાત્રાઓ તથા બદ્રીનાથ જેવા યાત્રાસ્થળોએ જવા માટે આ નગર પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી જોશીમઠમાં રસ્તાઓ, મકાનો અને ઘરોની દીવાલો પર તિરાડો પડી રહી છે. આને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.