રાંચીઃ રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં આજે અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. રાંચીમાં વિશેષ સીબીઆઈ કોર્ટે 73 વર્ષના લાલુને અપરાધી જાહેર કર્યા છે. લાલુ સામે પાંચમો અપરાધ એ છે કે એમણે દોરાંદાની સરકારી તિજોરીમાંથી રૂ. 139.35 કરોડની રકમ ગેરકાયદેસર રીતે ઉપાડી હતી. આ અપરાધ માટે લાલુની સજાની જાહેરાત 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુને અગાઉ ઘાસચારા કૌભાંડને લગતા ચાર કેસમાંમ અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. એમાં તેમને કાવતરાખોર ગણવામાં આવ્યા છે. આજે રાંચી કોર્ટમાં વિશેષ સીબીઆઈ જજે ચુકાદો સંભળાવ્યો ત્યારે લાલુ ત્યાં હાજર હતા. કોર્ટ કાર્યવાહી વખતે હાજર રહેવા એ ગયા રવિવારે જ રાંચીમાં આવી પહોંચ્યા હતા. દોરાંદા તિજોરી ઉચાપત કેસમાં લાલુ સહિત 99 આરોપીઓ છે. એમાંના જોકે 55 જણ મૃત્યુ પામ્યા છે. સાત જણ સરકાર માટે તાજના સાક્ષી બની ગયા છે, છ જણ ફરાર છે. ઘાસચારા કૌભાંડ કુલ રૂ. 950 કરોડનું છે. એમાં બિહારના અનેક જિલ્લાઓમાં સરકારી તિજોરીઓમાંથી જાહેર ઉપયોગ માટેના નાણાં ગેરકાયદેસર અને બનાવટ કરીને ઉપાડવામાં આવ્યા હતા.
લાલુપ્રસાદને ડુમકા, દેવઘર અને ચૈબાસા તિજોરીઓમાંથી નાણાં ઉપાડવાના ચાર કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમજ રૂ. 60 લાખનો દંડ પણ કરાયો છે. એમણે ચારેય કેસમાં જામીન મેળવ્યા છે. ઘાસચારા કૌભાંડ 1996માં બહાર આવ્યું હતું. 1997માં, સીબીઆઈએ લાલુને આરોપી જાહેર કર્યા હતા.