નવી દિલ્હીઃ દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ થઈ રહી છે, એની પ્રતિકૂળ અસર નાગરિકોના આરોગ્ય પર જ નહીં, પણ દેશના અર્થતંત્ર પર પણ નકારાત્મક પડી રહી છે. વાયુ પ્રદૂષણને લીધે દેશને 95 અબજ ડોલર (આશરે રૂ. 7.8 લાખ કરોડ)નું નુકસાન થઈ રહ્યું છે. આ રકમ દેશના વાર્ષિક બજેટના આશરે ત્રણ ટકા અને આરોગ્ય પર થનારા ખર્ચથી બે ગણી છે.
વર્ષ 2019માં વાયુ પ્રદૂષણને લીધે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બીજા અહેવાલ અનુસાર દેશની કાર્યશૈલી ક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર પડી હતી, જેને કારણે પ્રતિ વર્ષ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય આરોગ્ય સમસ્યાઓને કારણે લોકો જાહેર સ્થળો પર ઓછા જઈ રહ્યા છે, જેનાથી અર્થતંત્રને 22 અબજ ડોલર (આશરે રૂ. 1.8 લાખ કરોડ)નું નુકસાન થયું છે. પ્રદૂષણને કારણે શિયાળામાં પ્રતિ વર્ષ ભારત આવતા પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.દેશમાં દિલ્હી વાયુ પ્રદૂષણને લીધે મુખ્ય કેન્દ્ર બની ગયું છે. દિલ્હી વાર્ષિક રીતે રાજ્યની GDPના આશરે છ ટકા પ્રદૂષણને કારણે ગુમાવી દે છે. દરેક શિયાળામાં બાંધકામ કાર્યો પર પ્રતિબંધ અને સ્કૂલો બંધ થવાથી દિલ્હીની આર્થિક કામકાજ પર ભારે અસર પડી રહી છે.
દેશમાં સરકાર વાયુ પ્રદૂષણમાં 50 ટકાનો ઘટાડો કરે તો GDPમાં 4.5 ટકા વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત વાયુ પ્રદૂષણને લીધે લોકોના આરોગ્ય પર પડતી પ્રતિકૂળ અસરને પગલે GDPમાં 1.36 ટકા ધીમો થયો છે. આમ પ્રદૂષણને લીધે માત્ર લોકોના આરોગ્ય પર જ નહી, પણ અર્થતંત્ર પર પણ પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત દેશમાં વાયુ પ્રદૂષણને લીધે 2030 સુધીમાં મૃત્યુદરમાં વધારો થવાની શક્યતા છે અને દેશની સરેરાશ વય ઘટીને માત્ર 32 વર્ષ થવાની શક્યતા છે.