પટનાઃ બિહારમાં પણ કોવિડ-19ના પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બિહારમાં અત્યર સુધી 15 લોકો આ રોગથી ચેપગ્રસ્ત છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધનને ટ્વિટર પર ટેગ કરીને મદદ માટે આજીજી કરી છે. તેજસ્વી યાદવે મહિલા ડોક્ટરોનો એક વિડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે દેશને 56 સંસદસભ્યો (50 NDA) આપવાળું બિહારની હાલત એટલી કફોડી છે કે ડોક્ટર્સને વિડિયો બનાવીને મદદ માગવી પડે છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને ડોક્ટર હર્ષવર્ધનજીને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ડોક્ટરોને તપાસ-સારવાર માટે ઉચિત ઉપકરણો ઉપલબ્ધ કરાવીને 12 કરોડ બિહારીઓને બચાવી લો.
ડોક્ટરોની કિટ માટે વિનંતી
તેજસ્વી યાદવે જે વિડિયો શેર કર્યો છે, એમાં ચાર મહિલા ડોક્ટર નજરે પડે છે, જેમાં એક મહિલા ડોક્ટર કહે છે કે અમે બિહારની જાણીતી મેડિકલ કોલેજનાં ડોક્ટર્સ છીએ. અમે જ્યારે હોસ્પિટલ વ્યવસ્થાપન પાસે બચાવ સંબંધિત પીપી કિટ માગી તો અમને આપવામાં ના આવી. અમારી પાસે કોરોના સામેના જંગમાં લડવા માટે કોઈ હથિયાર નથી. એક અન્ય ડોક્ટર કહે છે કે સર, અમે લોકો એવા સૈનિક છીએ, જે આ જંગમાં વગર હથિયારે લડી રહ્યા છીએ. અમને તમારી સહાનુભૂતિથી વધુ તમારી મદદની જરૂર વધુ છે. સર, પ્લીઝ અમને પીપી કિટ ઉપલબ્ધ કરાવો.
ડોક્ટરની ફરિયાદ
ડોક્ટરોએ આગળ વધુ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે પાયાની ચીજવસ્તુઓ જેવી કે સેનિટાઇઝર, માસ્કક, ગ્લવ્ઝ વગેરે પણ નથી. તેમણે કહ્યું હતું કે તેમને N-95 માસ્ક નથી આપવામાં આવતા. તેમની સ્થિતિ બહુ દયનીય છે અને આ પરિસ્થિતિમાં તે લોકો કામ કરી રહ્યા છે. કૃપા કરીને મદદ કરો.
જોકે હાલ તો એ માલૂમ નથી પડ્યું કે આ મહિલા ડોક્ટર કઈ હોસ્પિટલમાં કાર્યરત છે, પણ વિપક્ષના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે આ માત્ર એક હોસ્પિટલ નહીં પણ બિહારની મોટા ભાગની હોસ્પિટલોની સ્થિતિ છે. જોકે મુખ્ય પ્રધાન નીતીશકુમાર કહે છે કે તેમની સરકાર આ મામલે ગંભીર અને સક્રિય છે. અધિકારીઓને દરેક મદદ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.