કોણાર્ક, 1 ડિસેમ્બર, 2022: ભારતે આજે, 1 ડિસેમ્બરે G20 નું પ્રમુખપદ સંભાળ્યા પછી, ઇવેન્ટને ઐતિહાસિક બનાવવા માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ઓડિશાના કોણાર્કમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન G20 લોગો અને થીમ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ માટે ચંદ્રભાગા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને નજારો માણ્યો હતો. આ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ સેન્ડ આર્ટ (રેતીકલા) કલાકાર સુદર્શન પટનાયકે આ ક્ષણને દેશ માટે ગૌરવશાળી ગણાવી હતી.
ઈન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં હાજર પત્રકારો સાથે વાત કરતા સુદર્શન પટનાયકે કહ્યું કે, G20 ઇન્ડિયાનો લોગો અને થીમ પ્રાચીન જ્ઞાન અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, જે વસુધૈવ કુટુમ્બકમ્ અને સમગ્ર વિશ્વ એક પરિવારના સંદેશ સાથે હજારો વર્ષોથી ચાલ્યા આવે છે. તેમણે કહ્યું, “આ એવી વસ્તુ છે જે ભારતમાં આપણે બધા પહેલેથી જ જાણીએ છીએ. હવે આપણી પાસે આ પ્રાચીન જ્ઞાનને જી20 ફોરમ દ્વારા બાકીના વિશ્વ સાથે શેર કરવાની તક છે.”
ભારત આગામી એક વર્ષમાં 50 થી વધુ શહેરોમાં G20 દેશોના વિદેશી પ્રતિનિધિ મંડળો સાથે 200થી વધુ બેઠકો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ભારતની G20 અધ્યક્ષતા વસુધૈવ કુટુંબકમ્ અને ‘એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય’ની ભારતીય ફિલસૂફીમાં રહેલી એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.
ઓડિશા સરકાર દ્વારા દર વર્ષે કોણાર્ક ખાતે 1 થી 5 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વખતે ઇન્ટરનેશનલ સેન્ડ ફેસ્ટિવલમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. આ પાંચ દિવસોમાં તમામ કુશળ શિલ્પકારો ચંદ્રભાગાના દરિયા કિનારે ભવ્ય રેતીના શિલ્પોને જીવંત કરશે. આ સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત 18 થી 50 વર્ષની વયના રેત કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ વખતે રેતીના કલાકારો કોવિડ19 અને અન્ય વિષયો સિવાય વૈશ્વિક થીમ પર આધારિત કલા પ્રદર્શિત કરશે.