નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.75 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કોરોના વાઇરસના પ્રકોપને જોતાં ધિરાણ નીતિની MPCની સમીક્ષા બેઠક 25થી 27 માર્ચ દરમ્યાન મળી હતી, જેમાં રેપો રેટ 0.75 ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રેપો રેટ 4.40 ટકાએ આવી ગયો છે. આ પહેલાં રેપો રેટ 5.15 ટકાએ હતો. આ પહેલાં રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી, 2020 અને ડિસેમ્બર, 2019માં રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નહોતો. રિઝર્વ બેન્કે વર્ષ 2019માં રેપો રેટમાં 135 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ 0.90 ટકાનો કાપ મૂક્યો હતો. જેથી રિવર્સ રેપો રેટ ઘટીને ચાર ટકા થયો હતો. રિઝર્વ બેન્કના શક્તિકાંત દાસે કહ્યું હતું કે રિવર્સ રેપો રેટમાં એટલા માટે કાપ મૂકવામાં આવ્યો હતો, કેમ કે RBI પાસે પૈસા જમા થવાને બદલે બેન્કો લોન આપવામાં ઉદાર વલણ અપનાવી શકે.
કોરોના વાઇરસને લીધે રેપો રેટમાં ધરખમ ઘટાડો
રિઝર્વ બેન્કે કોરોના વાઇરસને કારણે દેશમાં થયેલા લોકડાઉનને કારણે અસામાન્ય સંજોગો ઊભા થતાં રેપો રેટમાં ભારે ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘટાડો થવાને પગલે હોમ લોન અને કાર લોનના માસિક હપતામાં ભારે ઘટાડો આવશે. જેથી લોનધારકો પર વ્યાજ બોજ ઘટશે.
રિઝર્વ બેન્કે બધી બેન્કોને માટે CRR ( કેશ રિઝર્વ રેશિયો) ચાર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કર્યો છે. બેન્કો પાસે રોકડ (લિક્વિડિટી) વધુ રહે એ માટે બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કનો આ નિર્ણય 28 માર્ચથી શરૂ થનારા પખવાડિયાથી લાગુ પડશે. રિઝર્વ બેન્કે બધી બેન્કોને CRRનો ઘટાડાનો લાભ એક વર્ષ સુધી આપવાની જાહેરાત કરી છે.