RBIએ ધિરાણ દરો યથાવત્ રાખ્યાઃ રેપો રેટ 5.5 ટકા

નવી દિલ્હીઃ RBI ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટને 5.5 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે છેલ્લે જૂન, 2025માં રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો, પરંતુ ઓગસ્ટમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જોકે આ વર્ષે અત્યાર સુધી કુલ એક ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે નીતિગત વલણને  ન્યુટ્રલ (Neutral) રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે GDP વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત बनी રહી છે. તેનું શ્રેય અનુકૂળ ચોમાસું, ઘટતી મોંઘવારી અને નાણાકીય ઢીલને જાય છે.

રેપો રેટ એ તે વ્યાજ દર છે જેના પર RBI બેન્કોને રૂપિયા ઉછીના આપે છે. રેપો રેટ વધે ત્યારે બેંકોની લોન મોંઘા થઈ જાય છે, જેને કારણે હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોનના EMI વધી જાય છે. જ્યારે રેપો રેટ ઘટે ત્યારે સસ્તી થઈ શકે છે, પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત પર વ્યાજ પણ ઘટી શકે છે.

મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ અંદાજ લગાવ્યો હતો કે RBI હાલની પરિસ્થિતિ જાળવી રાખશે. જોકે કેટલાકને ઘટાડાની શક્યતા પણ વ્યક્ત  કરી હતી. એક સર્વેમાં મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ હાલની પરિસ્થિતિ જાળવી રાખવાનો અંદાજ લગાવ્યો હતો,. પરંતુ, કેટલાક નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો કે સમિતિ ધિરાણ દરમાં 25 બેસિસ પોઇન્ટ (bps)નો વધુ ઘટાડો કરે એવી શક્યતા છે.