નુપૂર સામે વ્યાપક વિરોધઃ રાંચીમાં હિંસાખોરીને કારણે કર્ફ્યૂ

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિશે કથિતપણે અપમાનજનક નિવેદન કરનાર ભાજપનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માનો મુસ્લિમ સમુદાયનાં લોકોએ આજે દેશમાં અનેક ઠેકાણે જાહેરમાં વિરોધ કર્યો છે. દેખાવકારો મસ્જિદો અને રસ્તાઓ પર એકત્ર થયાં હતાં અને નુપૂરની ધરપકડ કરવાની માગણી કરી હતી. દિલ્હી, ગુજરાત, કશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ એમ અનેક રાજ્યોમાં નુપૂરને વખોડી કાઢવા માટે દેખાવો કરવામાં આવ્યા હતા.

ઝારખંડના પાટનગર રાંચીમાં તો દેખાવકારો હિંસક બનતાં પોલીસે અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને ઘણા વાહનોને આગ ચાંપી હતી. રાંચીના મુખ્ય માર્ગ પર આવેલા હનુમાન મંદિર નજીક બેકાબૂ બનેલા ટોળાએ કરેલા હિંસાચારમાં અનેક પોલીસ જવાનને ઈજા થઈ હતી. ડેપ્યૂટી ઈન્સ્પેક્ટર જનરલ અનિષ ગુપ્તાએ કહ્યું કે રાંચીમાં પરિસ્થિતિ તંગ પરંતુ અંકુશ હેઠળ છે. ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હૈદરાબાદ

અનેક રાજ્યોનાં શહેરોમાં મુસ્લિમો આજે શુક્રવારની નમાઝ બાદ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને નુપૂર શર્મા તથા ભાજપે કાયમ માટે હાંકી કાઢેલા તેના મીડિયા વિભાગના વડા નવીનકુમાર જિંદલની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પયગંબર વિશે જિંદલના વાંધાજનક ટ્વીટ અને શર્માનાં અપમાનજનક નિવેદનની વિરુદ્ધમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કતર, કુવૈત સહિત અનેક ઈસ્લામિક દેશોમાં પણ વિરોધ થયો છે. દિલ્હીમાં જામા મસ્જિદ ખાતે શુક્રવારની નમાઝ માટે દોઢ હજાર જેટલા લોકો એકત્ર થયા હતા. એમાંના 300 જેટલા લોકો રસ્તા પર આવીને વિરોધ કરવા માંડ્યા હતા. ઉત્તર પ્રદેશમાં મોરાદાબાદ, લખનઉ, સહરાનપુર સહિત અનેક શહેરોમાં પણ મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉ.પ્ર. સરકારે બે જિલ્લામાં 144મી કલમ લાગુ કરી છે, જે મુજબ, ચારથી વધારે વ્યક્તિના એકત્ર થવા પર પ્રતિબંધ છે.

દિલ્હી

પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાર્ક સર્કસ વિસ્તારમાં લોકોનું મોટું એકઠું થયું હતું. પંજાબમાં, લુધિયાણામાં જામા મસ્જિદની બહાર લોકોએ નુપૂર અને જિંદલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મહારાષ્ટ્રમાં સોલાપુરમાં, તેલંગણામાં, હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.